Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી અપાઈ છે

સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત

અમદાવાદ :ગોધરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે રાજયના તમામ ડેમોમાં 30 ટકા સુધી પાણી હોવાથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ નથી તેવા મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થયા હતા. ત્યારે આજે જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે કે, વિજય રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા. 30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે. ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ ઉપર્યુક્ત નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે.

જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે.

સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-2 ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

જળસંપત્તિ સચિવે વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37050 એકર વિસ્તારને બે પાણ આપવાનું આયોજન કરેલું છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવ્યેથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે. એટલું જ નહિ, મધ્ય ગુજરાતમાં કુલ 13 ડેમોમાંથી 5,18,700 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરેલ. આ આયોજન પૈકી કડાણા જળાશયમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં 6,000 ક્યુસેક્સ પાણી સિંચાઇ માટે આપવામાં આવી રહેલ છે. આ ઉપરાંત પાનમ, કરાડ,વઢવાણા, વાત્રક, મેશ્વો, હાથમતી, કરજણ, સુખી, દેવ, પાટાડુંગરી, એદલવાડા ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે તેની વિગતો તેમણે આપી હતી.

(9:37 pm IST)