Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઉત્તર ગુજરાત અને પાટણમાં સિંચાઈ માટે સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા રજૂઆત

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો

અમદાવાદ :ગુજરાતમાં વરસાદ ખેંચાતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે. તેમણે ઉત્તર ગુજરાત અને પાટણમાં સિંચાઈ અંગે પાણી ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. તેમણે આ પત્રમાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા રજૂઆત કરી છે. રાજ્યમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ હજુ સુધી વરસાદ પડ્યો નથી .

જેના પગલે જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેથી તેમના પાક બચાવવા માટે સિંચાઇનું પાણી જ સંજીવની સાબિત થઈ શકે તેમ છે.

જો કે આ દરમ્યાન સીએમ રૂપાણીએ રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે.

જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

(8:37 pm IST)