Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર પરિવારના બાળકોને સરકારની યોજનાઓનો લાભ આપો: મુખ્યમંત્રીને પત્ર

બાપુનગર મતવિસ્‍તારના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રીને પત્ર લખી રજૂઆત

અમદાવાદ : રાજ્‍યના ઘણા પરિવારોમાં કોરોનાના કારણે મુખ્‍ય વ્‍યક્‍તિનું અવસાન થવાથી પરિવાર નોંધારો બન્‍યો છે. ઘણા કિસ્‍સાઓમાં માતા-પિતા બંનેનું મૃત્‍યુ થવાથી અનેક બાળકો નાની ઉંમરમાં અનાથ બન્‍યા છે. આવા કિસ્‍સાઓમાં બાળકો 18 વર્ષના ન થાય ત્‍યાં સુધી માસિક રૂ. 4000ની રકમ અને પરિવારમાં મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિનું અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં બાળકો 18 વર્ષના ન થાય ત્‍યાં સુધી માસિક રૂ. 2000ની રકમ આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

પરંતુ દર્દી કોરોનાના લક્ષણ ધરાવતા હોય, સિવિલ હોસ્‍પિટલ ખાતે 1200 બેડની કોવિડ હોસ્‍પિટલ કે સરકાર માન્‍ય કોવિડ સેન્‍ટર/હોસ્‍પિટલમાં દાખલ હોય, પરંતુ તેઓનો RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય અને તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળશે નહીં.

રાજ્‍ય સરકાર નાગરિકોને સહાયરૂપ બનવા માંગતી હોય તો તમામ લોકોને સમાન ન્‍યાય મળે તે અત્‍યંત જરૂરી છે ત્‍યારે આવા કિસ્‍સાઓમાં બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે હકારાત્‍મક નિર્ણય કરી જરૂરી કાર્યવાહી સત્‍વરે કરાવવા તથા મૃત્‍યુનું કારણ સ્‍પષ્‍ટ લખાય તેવી કાર્યવાહી કરાવવા અમદાવાદ શહેરના બાપુનગર મતવિસ્‍તારના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રીને આજરોજ પત્ર લખી વિનંતી કરી હતી.

ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કોરોનાના કારણે સમગ્ર રાજ્‍યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્‍યા, અનેક લોકો બેરોજગાર થઈ ગયા, અનેક લોકો આર્થિક રીતે બેહાલ બની ગયા છે. કોરોનાથી મોટી સંખ્‍યામાં લોકો સંક્રમિત થયેલ અને હજારો નાગરિકો કોરોનાના કારણે મૃત્‍યુ પામેલ છે ત્‍યારે કોરોના દરમ્‍યાન અમુક વ્‍યક્‍તિને તમામ લક્ષણ કોરોનાના હોય, દર્દી સિવિલ હોસ્‍પિટલ ખાતે 1200 બેડની કોવિડ હોસ્‍પિટલ કે સરકાર માન્‍ય કોવિડ સેન્‍ટર/હોસ્‍પિટલમાં દાખલ હોય, પરંતુ તેઓનો RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય અને તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સામાં વ્‍યક્‍તિનું કોરોનાથી અવસાન થયું હોય તેમ સાબિત થતું નથી.

આવા બનાવો રાજ્‍યમાં મોટી સંખ્‍યામાં નોંધાયા છે. આવા કિસ્‍સાઓમાં અનાથ બનેલ બાળકો કે પરિવારની મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર બાળકોને સરકારની ઉક્‍ત યોજનાઓનો લાભ મળશે નહીં. આવા બાળકોએ પણ પોતાના પિતા કે માતા-પિતા ગુમાવ્‍યા છે ત્‍યારે તેઓને પણ સહાય નહીં મળે તો તેઓને હળાહળ અન્‍યાયકર્તા સાબિત થશે. વળી, અનેક કિસ્‍સાઓમાં ‘મૃત્‍યુનું કારણ’ કોરોનાના બદલે ન્‍યુમોનિયા કે માંદગી એવું દર્શાવવામાં આવે છે, જેના કારણે મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના વારસદારોને મેડીક્‍લેઈમ કે વીમાની રકમ મેળવવામાં મુશ્‍કેલી ઉભી થાય છે અને સરકારની ઉક્‍ત યોજનાઓનો લાભ મળશે નહીં.

તેમણે અનાથ થયેલ બાળકોને અને મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર પરિવારના બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે હકારાત્‍મક નિર્ણય કરી, જરૂરી કાર્યવાહી સત્‍વરે કરાવવા તથા મૃત્‍યુનું કારણ સ્‍પષ્‍ટ લખાય તેવી કાર્યવાહી કરાવવા રાજ્‍ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.

(7:37 pm IST)