Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગાંધીનગર નજીક ચિલોડામાં પોલીસે બાતમીના આધારે બે પિસ્તોલ સાથે બે રીઢા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કર્યા

 ગાંધીનગર: જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યાન પોલીસ એલર્ટ મોડ ઉપર હતી ત્યારે ચિલોડા પોલીસે બાતમીના આધારે બે પિસ્તોલ અને ચાર મેગેઝીન તેમજ નવ જીવંત રાઉન્ડ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની સામે અગાઉ પણ ગંભીર ગુનાના કેસ દાખલ થયેલા છે જે પૈકી એક આરોપીએ ભુતકાળમાં રાજકોટ ખાતે ભાજપના નેતા ઉપર પણ હુમલો કર્યો હતો. હાલ તો તેમની આર્મ્સ એકટ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ચિલોડા નજીક પિસ્તોલની આપલે થઈ રહી છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવીને પિસ્તોલ આપવા આવેલા ધર્મેન્દ્રકુમાર શિવદયાલસિંહ યાદવ રહે.ગોલીયાપોર પોસ્ટ બનાહરતા.હરકલઉત્તરપ્રદેશ અને હથિયારોની ડીલીવરી લેવા આવેલા રાજુ ઉર્ફે ડીમ્પલ ક્રિષ્ણમુરારી યાદવ રહે.રપ વાલીયા દરગાહની સામે વાંકાનેર જિ.મોરબીને બે પિસ્તોલબે મેગેઝીન અને નવ જીવતા કારતુસ સાથે ઝડપી લીધા હતા. ૬૬૩૧૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓ પૈકી રાજુ ઉર્ફે ડીમ્પલ અગાઉ ગંભીર ગુનાઓમાં પણ પકડાયો છે અને રાજકોટના ભાજપના નેતા સાથે ઝગડો કરી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો પણ કર્યો હતો. તેમજ અગાઉ હથિયારો સાથે પકડાયો હતો અને એટીએસ દ્વારા મોટા પ્રમાણમાં પકડવામાં આવેલા હથિયારોના ગુનામાં તેનું નામ પણ ખુલયું હતું. એટલું જ નહીં અત્યાર સુધીમાં તેની સામે ૧ર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે જેમાં હથિયાર રાખવા ઉપરાંત ખુનની કોશિષ અને વિદેશી દારૃના વેચાણનો ગુનો પણ નોંધાયો છે. આરોપીઓ ગાંધીનગરમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. 

(6:02 pm IST)