Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગાંધીનગર નજીક આવેલ રૂપાલમાં ખેતરમાં પાર્ક કરેલ કાર હટાવવા બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:શહેર નજીક આવેલા રૃપાલમાં થયેલી આ મારામારી સંદર્ભે રૃપાલ ગામમાં માળીવાસમાં રહેતા સંજયભાઈ દીપકભાઈ રામીએ ફરીયાદ નોંધાવી હતી કે ગત શનિવારના સાંજના સમયે તે અને તેમની પત્નિ સપનાબેન રૃપાલ ગામની સીમમાં આવેલા માલવાકુવા નામે ઓળખાતાં ખેતરમાં ગયા હતા. જયાં છ વાગ્યાના સુમારે તેમના બાપાનો દીકરો વિપુલ રમેશભાઈ રામી આઈશર ગાડી લઈને આવ્યો હતો અને સંજયભાઈએ મુકેલી અલ્ટો ગાડી અહીંથી લઈ લે તેમ કહેતાં તેમણે કહયું હતું કે વાડામાં ઘણી જગ્યા છે ત્યાં તમારી ગાડી મુકો. જેથી વિપુલભાઈ ઉશ્કેરાઈગયો હતો અને જેમફાવે તેમ ગાળો બોલી હતી તેનું ઉપરાણું લઈને તેની માતા રંજનબેનપત્નિ આશાબેન પણ આવી ગયા હતા અને વિપુલભાઈએ આ જગ્યા તારા બાપની છે તેમ કહી નજીકમાં પડેલી લોખંડની પાઈપ સંજયભાઈને મારી હતી. આ વખતે રમેશભાઈ મણીલાલ રામી પણ ત્યાં આવી ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. જેથી તેમની પત્નિ સપનાબેન વચ્ચે પડીને છોડાવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનામાં ચારેય વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો તો બીજી બાજુ રંજનબેન રમેશભાઈ રામીએ ફરીયાદ નોંધવી હતી કે તેઓ સાંજના સમયે તેમના દીકરાની પત્નિ આશાબેન સાથે રૃપાલ ગામના ખેતરમાં ગયા હતા જયાં તેમનો દીકરો વિપુલ ગેસના બાટલાની ગાડી લઈને આવ્યો હતો. આ સમયે તેમના ભત્રીજા સંજયભાઈ રામીની કાર વાડામાં પડી હોવાથી તેને ખસેડવાનું કહેતાં સંજયભાઈ ઉશ્કેરાઈગયા હતા અને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને નજીકમાં પડેલો ખાટલાનો પાયો તેમના માથામાં માર્યો હતો અને લોહી નીકળવા લગ્યું હતું . આ દરમ્યાન વિપુલ તથા રમેશભાઈ મણીલાલ રામી ત્યાં આવી પહોંચતા તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી અને સંજયભાઈનું ઉપરાણું લઈ તેમની પત્નિ સપનાબેને પણ આશાબેન સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે સંજયભાઈ અને તેમની પત્નિ સામે ગુનો દાખલ કર્યો છે. આમ બન્ને પક્ષે ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(6:01 pm IST)