Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વરસાદની રાહનો અંતઃગુજરાતમાં ગુરૂવારથી મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે

બંગાળની ખાડી ઉપર કાલ સુધીમાં લો પ્રેશર સર્જાશેઃ જે પશ્ચિમ તરફ આગળ વધશેઃ હવામાન વિભાગ

ગાંધીનગર, તા. ૧૭ : ગુજરાતમાંથી વરસાદે છેલ્લા બે સપ્તાહથી વિરામ લીધો છે જેથી ખેડૂતોની ચિંતા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. શ્રાવણ માસમાં ભાદરવા જેવી ગરમી પડી રહી છે. રાજ્યમાં માત્ર ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૭.૦૯%  વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની ૪૮% ઘટ છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે તા. ૧૭ સુધીમાં લો પ્રેશર સર્જાશે અને આગામી ગુરુવારથી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી પર બુધવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા,  અરવલ્લી,  દાહોદ,  પંચમહાલ,  ખેડામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે અને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર ૪૧થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

(1:08 pm IST)