Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદ મનપાના અધિકારીઓના પ્રમોશન અધ્ધરતાલ :મેયર સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક બોલાવતા જ નથી !

મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર મેયર સહિતના હોદ્દેદારોને મળી સ્ટાફ સિલેક્શન કમિટી બોલાવવા કહ્યું હતું પણ હોદ્દેદારોએ રસ દાખવ્યો નહીં !!

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છે પણ પ્રમોશનની ફાઈલ આગળ વધી રહી નથી જેથી હવે તેઓ અધીરા બની ચુક્યા છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર સ્ટાફ સિલેક્શન કમિટી બોલાવતા નથી જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશનની મહોર વાગી રહી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં અધિકારીઓ અને હોદ્દેદારોની વચ્ચે મનમેળ બેસતો નથી. આ કારણથી અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન થઈ રહ્યાં નથી.

થોડા દિવસો પહેલા અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર મેયર સહિતના હોદ્દેદારોને મળ્યા હતા અને સ્ટાફ સિલેક્શન કમિટી બોલાવવા અનુરોધ કર્યો હતો પણ હોદ્દેદારોએ રસ દાખવ્યો ન હતો. અમદાવાદ મ્યુનિ.ના સૂત્રો જણાવે છે કે,” અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ખાલી જગ્યા ઉપર અધિકારીઓની નિમણુંક, પ્રમોશન અને નિમણુંક પામેલા અધિકારીઓની પરમીનેટ કરવાના કામો અટકેલા છે.

2020માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થઈ રહી હતી તે પહેલાં સ્ટાફ સિલેક્શન કમિટી બોલાવવા દોડધામ થઈ હતી પણ તત્કાલિન મેયર બીજલ પટેલે કમિટી બોલાવી નહતી પછી નવેસરથી ચૂંટણી બાદ નવા હોદ્દેદારો આવ્યા હતા પણ નવા હોદ્દેદારો પણ સ્ટાફ સિલેક્શનની કમિટી બોલાવી રહ્યા નથી. અમદાવાદ મ્યુનિ.ના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન આપવા મુદ્દે ગજગ્રાહ છે. બંને તરફથી પોતપોતાના મણીતાના નામ આગળ કરાઈ રહ્યા છે, આમ સર્વસંમતિ સંધાઈ રહી નથી.

દોઢ વર્ષથી અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન અંગે નિર્ણય લેવાઈ રહ્યો નથી. હવે ટૂંક સમયમાં આ અંગે ઉકેલ આવે તે માટે બંને તરફથી વલણ નરમ પડી રહ્યું છે. ઈજનેર અને ટીડીઓ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમોશન મળે તેવી સંભાવના છે

(11:43 pm IST)