Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અમદાવાદ મનપાના ત્રણ આસી. કમિશનરોની ડે. મ્યુનિ કમિશનરનો ચાર્જ લેવા દોડધામ શરૂ

મ્યુનિ. કોર્પોરેશનમાં 27 આસિ. કમિશનર જ્યારે 11 જેટલા ડે. મ્યુનિ. કમિશનર:પાંચ જેટલા સિનિયર આસિ. કમીશનરને માત્ર વોર્ડની કામગીરીથી સંતોષ નથી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 27 આસિ. કમિશનર છે, જ્યારે 11 જેટલા ડે. મ્યુનિ. કમિશનર છે. હવે પાંચ જેટલા સિનિયર આસિ. કમીશનરને માત્ર વોર્ડની કામગીરીથી સંતોષ નથી. આ પૈકી ત્રણ આસિ. કમિશનર સૌરભ પટેલ, વિશાલ ખનામા અને પરાગ શાહને ભૂતકાળમાં ડે. મ્યુનિ. કમિશનરનો ચાર્જ અપાયો હતો પણ સરકારમાંથી ડે. કમિશનર આવતા તેઓનો ચાર્જ પરત લઈ લેવાયો હતો પણ હવે આ ત્રણ અધિકારીઓને ફરી ડે. મ્યુનિ. કમિશનરનો ચાર્જ જોઈએ છે, તેઓ તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળી તેઓને ડે. મ્યુનિ. કમિશનરનો ચાર્જ મળે તે માટે રજુઆત કરી આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ બદલાય તે પ્રમાણે નિર્ણયો પણ બદલાય છે. જુના વહીવટી વડાને દરેક વોર્ડમાં એક આસિ. કમિશનર મૂકી સબ ઝોનલ કચેરીઓને ધમધમતી કરવામાં રસ હતો. પાણી, ગટર અને રોડ જેવા નાના પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્નો માટે લોકો છેક મધ્યસ્થ કચેરી સુધી લાંબા ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવાનું સપનું હતું પછી આસિ. કમિશનરની ફોજ ભરી દેવાઈ હતી તેમને દરેક વોર્ડની જવાબદારી સોંપાઈ હતી પણ જ્યારે ઈજનેર ખાતાની સત્તા સોંપવાની વાત આવી તો ઉચ્ચ અધિકારીઓ ઢીલા પડી ગયા હતા.

નવા ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો આવ્યા પછી આસિ. કમિશનરને કોઈ ગણતું ન હોય તેવી સ્થિતિ છે. આ સિવાય આસિ. કમિશનરની પાસે વોર્ડ સ્તરે પણ મહત્વની કોઈ સત્તા નથી જેથી તેઓ શોભાના ગાંઠિયા બની જશે તેવો દર ઉભો થયો છે. આથી, જુના અને સિનિયર આસિ. કમિશનર દ્વારા ડે. કમિશનરનો ચાર્જ મેળવવા હોદ્દેદારોને રજુઆત કરાઈ રહી છે.

(11:44 pm IST)