Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારી :કોવિડ – 19 ‘‘ન્યાય યાત્રા' બે મહિનામાં રાજ્યના 18 હજાર ગામડામાં ભ્રમણ કરશે

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોરોના મહામારી મુખ્ય મુદ્દો રહેશે: અમિત ચાવડા

અમદાવાદ : આગામી 2022ની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે જ મુખ્ય રાજકીય પક્ષોએ પ્રજા સુધી પહોંચવાના જુદા જુદા કાર્યક્રમો જારી કર્યા છે. આજથી થોડાં સમય અગાઉ આમ આદમી પાર્ટી (આપ) દ્વારા જન સંવેદના મુલાકાતના નામે કાર્યક્રમ શરૂ કર્યો હતો. જયારે ભાજપ દ્વારા સરકારે કરેલી કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે ગઇકાલ તા.15મી ઓગસ્ટથી જન આર્શીવાદ યાત્રા શરૂ કરી છે. આજે કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી કોવિડ- 19 ‘‘ન્યાય યાત્રા’’ અભિયાનની જાહેરાત કરી હતી. આ યાત્રાનો આગામી તા.18મી ઓગસ્ટથી પ્રારંભ થશે.

આ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ધારાસભ્યો – જિલ્લા પ્રમુખોની યોજાયેલ બેઠકમાં સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનામાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મુક્યા હતા. ચૂંટણી નજીક આવતા હવે ભાજપના નેતા ભગવાનના શરણે જાય છે. ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવો કરે છે. ભાજપ લોકો માટે નહીં પરંતુ પોતાના માટે શાસન કરે છે. ગુજરાત અને દેશમાં છેલ્લા 100 વર્ષ કરતા આવેલી આફતોમાં સૌથી ખરાબ સમય કોરોનાકાળ રહ્યો હતો. કોરોનાથી જેટલા લોકો મર્યા નથી તેટલા સરકારના અણઘડ વહીવટથી મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કારણે 2 લાખ લોકો મર્યા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોરોના મહામારી મુખ્ય મુદ્દો રહેશે. તાલુકા, જિલ્લા, શહેર અને પ્રદેશ સ્તરે આવેદન પત્રો અપાશે તેમજ શ્રદ્ધાંજલિ સભાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાશે. જે પરિવારો પોતાના પરિવારજન ગુમાવ્યા છે તેમને 4 લાખ રૂપિયા સહાયની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ન્યાય અભિયાન શરૂ કરશે. કોરોનાની મૃત્યુ પામેલા પરિવારને ન્યાય અપાવવા અભિયાન શરૂ કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને અધિકારીક વળતર અપાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની 250 તાલુકા પંચાયત, 156 નગરપાલિકા અને 8 મનપામાં આ અભિયાન ચલાવવામાં આવશે. કોરોનાની લડાઇ લાંબી હોવાથી પ્રજાને હેલ્થ સિક્યુરીટી પુરી પાડવા કોંગ્રેસનો પ્રયાસ છે. આ ઉપરાંત ન્યાય અભિયાન માટે કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુંક કરશે. 5200 થી વધારે તાલુક પંચાયત સીટ, નગરપાલિકાના 1251 વોર્ડ અને મનપાના 176 વોર્ડ મુજબ કોંગ્રેસ કોવિડ વોરીયર્સની નિમણુક કરશે. આ સરકાર અસંવેદનશીલ સરકાર છે. લાજવાના બદલે ગાજીને સરકાર ઉત્સવો કરી રહી છે. સરકારે કોરોનામાં લોકોની આડકતરી રીતે હત્યા કરી છે. કોરોનાકાળમાં સરકારનો અણઘડ વહીવટ અને સંકલનના અભાવે લોકોના મોત થયા છે. આગામી 2 મહિના સુધી અમે ઘરે ઘર જઈને ન્યાય યાત્રા કરીશું. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રૂ. 4 લાખનું વળતર મળવું જોઈએ. સરકારી કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થયા તેના વારસદારને નોકરી આપવી જોઈએ. ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી લીધેલી ફી સરકાર લોકોને પાછી આપે. કોંગ્રેસના આગેવાનો કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના ઘરે જશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનું વર્ચ્યુઅલ મેમોરિયલ બનાવવામાં આવશે.

(11:39 pm IST)