Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સીટીએમ ઓવરબ્રિજ પર બે બાઈક ટકરાતા એકનું મોત

દંપતીની હાલત ગંભીર : દંપતીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા

અમદાવાદ,તા.૧૬ :  અમદાવાદ શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાતા એક યુવકનું મોત થયું છે, જ્યારે બીજા બાઈક પર સવાર દંપતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે સ્થાનિકોએ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી દંપતીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડયા હતા.

ઉપરાંત ઓવરબ્રિજ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર ૧૫મી ઓગસ્ટની રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતા એક બાઈકસવાર યુવકનું મોત થયું છે.

જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક યુવકની હજી સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે બાઈક સામસામે ટકરાતા સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. જેને પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો.

 પ્રાપ્ત અહેવાલો અનુસાર થોડા દિવસો પહેલા શહેરના બહેરામપુરા વિસ્તારમાં એસ.ટી.બસના ટાયર નીચે કચડાતાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયા બાદ બસ મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાની વિગતો મુજબ બહેરામપુરા વિસ્તારમાં રહેતા રવિ (૨૫) રાતે વાગે મિત્ર સાથે બાઈક પર શાકભાજી લેવા માટે જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.

(9:43 pm IST)