Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વડોદરા:વાઘોડિયારોડ પર આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા બે ભાઈઓને માર મારી તોડફોડ કરનાર આરોપીને 24 કલાકમાં પોલીસે કસ્ટડીમાંથી છોડી દેતા ચર્ચાનો મુદ્દો બન્યો

 વડોદરા:વાઘોડિયારોડ  પર આઇસ્ક્રીમ પાર્લર ચલાવતા બે ભાઇઓને માર મારી તોડફોડ કરનાર માથાભારે આરોપીઓ પ્રત્યે પાણીગેટ પોલીસનું રહેમનજર  ભર્યુ  વલણ ચાલુ  રહ્યું છે.પોલીસ સ્ટેશનમાં જ ધમકી આપનાર આરોપીઓને પોલીસે રાતે સાડા બાર વાગ્યે  પકડી  ૨૪ કલાક પણ  કસ્ટડીમાં રાખ્યા નહતા.માત્ર ૧૬ કલાકમાં જ પોલીસે જામીન  આપી દીધા અને  અટકાયતી પગલા પણ ભરીને છોડી દેતા પોલીસની કાર્યવાહી ફરીથી ચર્ચાનો મુદ્દો બની છે. વાઘોડિયારોડ પરિવાર ચોકડી પાસે આવેલા આઇસ્ક્રીમ પાર્લર ચલાવતા આકાશ અને તેના ભાઇ મુકેશને આરોપીઓએ  માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી.આ ગુનામાં આરોપીઓને બચાવવા માટે પાણીગેટ  પોલીસની કાર્યવાહી શરૃઆતથી જ વિવાદમાં રહી  હતી.પોલીસે આરોપીઓને  પકડવાના બદલે તેઓની સાથે હાથ મિલાવી ફરિયાદીને સમાધાન માટે કહ્યું હતું.જાહેરમાં ગુંડાગીરી કરનાર આરોપીઓને પોલીસ શરૃઆતથી જ છાવરી રહી હતી.ગઇકાલે રાતે પોલીસે આરોપીઓ (૧) મેહુલ નારાયણભાઇ કહાર (૨) નિલેશ રાજુભાઇ કહાર (બંને રહે.હરણખાના રોડ, પાણીગેટ) (૩) વિશાલ ઉર્ફે રોકી ત્રિભોવનભાઇ પટેલ અને (૪) દેવેન્દ્ર ચેતનભાઇ કહાર (બંને રહે.મધુપાર્ક સોસાયટી, વાઘોડિયારોડ)ની ધરપકડ કરી હતી.પોલીસે તેઓને ૨૪ કલાક સુધી પણ કસ્ટડીમાં રાખ્યા નહતા.પોલીસે તેઓને બપોરે જ જામીન પર છોડી દીધા હતા.અને તરત જ અટકાયતી  પગલા લઇને જામીન પણ લેવડાવી દઇ છોડી દીધા હતા.સામાન્ય રીતે પોલીસ જ્યારે આરોપીઓને પકડે છે.ત્યારે તેઓની ધરપકડ કરતા પહેલા કોવિડનો ટેસ્ટ કરાવે છે.પરંતુ, આ કેસમાં  પોલીસે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ છોડી દેવાના છે.તેથી પોલીસે તેઓના કોવિડ ટેસ્ટ પણ કરાવ્યા નહતા.વેપારીએ જાહેરમાં જણાવ્યું હતું કે,આરોપીઓની સંખ્યા ૧૦ થી વધારે  હતી.પરંતુ,પોલીસે માત્ર ચાર આરોપીઓને પકડી તપાસ સંકેલી લીધી છે.

(5:58 pm IST)