Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગુજરાતના ચા પ્રેમી યુવાનની અનોખી ખોજઃ મિનીટોમાં જ આ મશીનની મદદથી ચાની રકાબી-કપ થઇ જશે સાફ

બનાસકાંઠાના યુવાને અનોખી સિદ્ધિ મેળવીઃ દેશની દરેક ચાની દુકાનમાં પોતાનુ આવિષ્‍કાર પહોંચાડવાનું યુવાનનું સપનુઃ સરકારે કરી આર્થિક મદદ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુરના યુવાને અનોખી સિદ્ધિ હાસલ કરી છે. પોલીટેક્‍નીક કોલેજમાંથી ડિપ્‍લોમા પાસ આઉટ કરનાર ધવલ નાઇ નામના યુવાને ઓટોમેટીક ટી કપ વોશિંગ મશીન બનાવ્‍યુ છે. જેની મદદથી લોકો મિનીટોમાં જ ચાના કપ-રકાબી ધોઇ શકશે, ત્‍યારે ધવલનો આ વોશિંગ મશીન બનાવવા પાછળ ઉદ્દેશ હતો કે, પેપરના કપમાં ચા પીવાથી 25000 માઇક્રો પ્‍લાસ્‍ટીક પેટમાં ઉતરે છે, જે શરીર માટે લાંબાગાળે નુકસાનકારી છે, જે અટકાવવા આ શોધ કરવામાં આવી છે.

પાલનપુરની પોલીટેકનીક કોલેજમાંથી ડિપ્લોમા પાસ આઈટ ધવલ નાઈ નામના વિદ્યાર્થીએ ઓટોમેટીક ટી કપ વોશિંગ મશીન બનાવ્યું છે. જેનાથી ચાના કાચના કપ સ્પીડમાં ધોઈ શકાય છે અને આ ટી કપ વોશિંગ મશીનના startup નું નામ મહંતમ રાખવામાં આવ્યું છે. ટી કપ વોશિંગ મશીન કઈ રીતે કામ કરે છે અને શું છે તેના ફાયદા તેના વિશે અમે આ ઘટનામાં જણાવવા જઈ રહ્યા છીએ.

વર્ષ 2020- 21માં એક સર્વે થયેલ જે સર્વે અનુસાર ભારત વિશ્વમાં અમેરિકા અને ચાઇના પછી ત્રીજો startup ecosystem બની રહ્યું છે. startup તો તમે બહુ જોયા હશે પરંતુ ધાનેરાના એક વિદ્યાર્થીએ અનોખું મશીન બનાવ્યુ છે જેનું નામ છે ટી કપ વોશિંગ મશીન અને આ startupનું નામ આપવામાં આવ્યું છે મહંતમ જેના ફાઉન્ડર છે. ધાનેરા તાલુકાના ભાટિબ ગામના ધવલ નાઈ.. પાલનપુરની પોલીટેકનીક કોલેજથી ડિપ્લોમા પાસ આઉટ ધવલ નાઈ અને દિપેન્દ્ર બરડેએ મહંતમ નામનું startup ચાલુ કર્યું છે જેમાં તેમને ટી કપ વોશિંગ મશીન બનાવ્યુ છે.

દેશમાં પ્રથમવાર હાઈ પ્રેસર વોટર અને બ્રશથી ટી કપ વોશિંગ મશીન બનાવવામાં ધવલ નામના વિદ્યાર્થીએ સફળતા મેળવી છે. ધવલ જ્યારે ચા પીવા બેઠો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી પર્યાવરણની સાથે સાથે શરીરને પણ નુકસાન થાય છે તેથી તેને એક એવું મશીન બનાવવાનું નક્કી કર્યું કે જેનાથી કાચના ગ્લાસને ઝડપથી અને ઓછા ખર્ચમાં પાણીથી ઓટોમેટિક ધોઈને સાફ કરી શકાય.

પાલનપુર પોલિટેકનિક કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ દરમિયાન ધવલ નાઈ નામના વિદ્યાર્થીએ તેના સાથી સાથે મળીને ત્રણ વાર નિષ્ફળતા પછી ચોથીવાર તેને સફળતા મળી અને એવું મશીન બનાવ્યું કે જેનાથી ઓટોમેટીક કાચના ગ્લાસ વોશ કરી શકાય. આ મશીન સતત 24 કલાક સુધી ચાલુ રહી શકે છે 24 કલાક દરમિયાન 800 જેટલા કપ ધોઈ શકે છે. એક કપ ધોવા પાછળ 40 એમ.એલ. પાણીનો મશીન ઉપયોગ કરે છે. મશીનમાં કાચના ગ્લાસ નાખતાની સાથે જ તે પાણીથી ધોવાઈને સાફ થઈને બહાર નીકળે છે..

આઈ.આઈ.ટી. ખડકપુરના રિસર્ચ અનુસાર પેપર કપમાં એક કપ ચા પીવાથી 25000 માઈક્રો પ્લાસ્ટિક પેટમાં ઉતરે છે, જે લાંબા સમય કેન્સરનું કારણ બને છે. પેપર કપની અંદર જે પરત હોય છે તે પ્લાસ્ટિકની બનેલી હોય છે. પેપર કપ રી યુઝ નથી થતા અને તેને ફેંકી દેવામાં આવે છે જેના લીધે કચરો ફેલાય છે. જ્યારે તેને જમીનમાં કમ્પોઝ કરવામાં આવે છે ત્યારે તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. મિથેન ગેસ કાર્બન ડાયોક્સાઇડથી 25 ઘણું વધારે ગ્રીનહાઉસ પર અસર કરે છે. પેપર કપ રિસાયકલ કરવો સંભવ જ નથી અને પેપર કપ સૌથી મોટું નુકસાન મોટી માત્રામાં વૃક્ષો કપાય છે.

તાજેતરમાં જ સરકાર દ્વારા કેરલમાં પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પેપર કપ અને પ્લાસ્ટિકના કપ જેના વપરાશથી નુકસાન થાય છે. છતાં પણ આ કપનો વપરાશ ચા પીવા માટે કરવામાં આવે છે. ધવલ નાઈના મહનતમ સ્ટાર્ટપ હેઠળ બજારમાં વેચાણ માટે તૈયાર થયેલ ટી કપ વોશિંગ મશીન ઓટોમેટિક સ્પીડમાં ચાના કાચના કપ ધોઈને આપે છે. રાજ્ય સરકારની પોલીસી હેઠળ ધવલ નાઈને ટી કપ વોશિંગ મશીન બનાવવા ફંડીગ મળેલ.. પાલનપૂરના પોલીટેક્નિક કોલેજના SSIP કોડિનેટર બ્રિજેશ પટેલના અંડરમાં I-HUB નો સપોર્ટ મળ્યો છે.

નોંધનીય છે કે, ધવલ નાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓટોમેટિક ટી કપ વોશિંગ મશીન દેશની દરેક ચાની કીટલીઓ પર વાપરવામાં આવે તો પ્લાસ્ટિક અને કાગળ કપોના કચરાથી બચાવવાની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરી શકાય.

(5:38 pm IST)