Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

યુ.એસ.ફુડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમ ગુજરાતમાં: સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સુધારા-વધારાની ચર્ચા

ગાંધીનગર,તા. ૧૭: યુ.એસ. ફૂડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશનની ટીમ  ગુજરાતના ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલની ત્રિ-દિવસીય મુલાકાતે આવનાર છે. આ ટીમ રાજયના ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્‍ટ્રેશન સાથે લોકોના સ્‍વાસ્‍થ્‍ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ કરશે તેમ રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ.જી. કોશિયા દ્વારા જણાવાયું છે.

શ્રી કોશિયાએ ઉમેર્યું કે, યુ.એસ. ફૂડ એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન (યુએસએફડીએ) અને ગુજરાત ફૂડ એન્‍ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્‍ટ્રેશન (ગુજરાત એફડીસીએ) વચ્‍ચે બંન્ને સંસ્‍થાઓની બેસ્‍ટ પ્રેક્‍ટિસિસનું એકબીજા સાથે આદાન પ્રદાન કરે છે. આ બંન્ને રેગ્‍યુલેટરી સંસ્‍થાઓ દ્વારા લોકોના સ્‍વાસ્‍થ્‍ય માટે કરવામાં આવતી કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગેની ચર્ચા કરશે. જેના થકી બંન્ને સંસ્‍થાઓના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉતમ સ્‍વાસ્‍થ્‍ય પુરૂ પાડવામાં મદદગાર પૂરવાર થશે. 

આ મુલાકાત દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ ડ્રગ ઇન્‍સ્‍પેક્‍શન લાઇફસાઇકલઃ સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્‍યાંકન અને રેગ્‍યુલેટરી એકશન, કેસ સ્‍ટડી ઉપર ચર્ચા કરશે અને યુએસએફડીએની આગેવાની હેઠળના થતા ઇન્‍સ્‍પેકશનમાં ગુજરાત     ના અધિકારીઓ ભાગ લેશે તે અંગે ચર્ચા વિચારણા થશે.

શ્રી કોશિયાએ ઉમેર્યું કે, અગાઉ USFDAના અધિકારીઓની આ ટીમે આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્‍યના અધિક મુખ્‍ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન આરોગ્‍ય મંત્રીશ્રી દ્વારા ગુજરાત તથા દેશની ખ્‍યાતનામ ફાર્મસી કોલેજ એલ.એમ.ફાર્મસી કોલેજ, અમદાવાદ તથા સરકારી આયુર્વેદ હોસ્‍પીટલ અને કોલેજ, કોલવડાની મુલાકાત લેવાનું સૂચવાયું હતું. જેના અનુસંધાને તા. ૧૯ મે ના રોજ આ બંન્ને સંસ્‍થાઓની મુલાકાત USFDAના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.

આ ટીમ USFDA-ગુજરાત FDCA રેગ્‍યુલેટરી ફોરમ યોજાશે જેમાં, સૌપ્રથમ વાર USFDAના ૧૨ સભ્‍યો અને ત્રિ-દિવસીય મીટીંગનુ આયોજન કરવામાં આવ્‍યું છે.

(10:59 am IST)