Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દાહોદના રામપુરા નજીક ચાર યુવાનોએ પરિણીતાની મદદના બહાને અશ્લીલ માંગણી કરી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

દાહોદ:તાલુકાના રામપુરા ગામના ચાર યુવાનોએ લીમખેડા તાલુકાના વલુંડી ગામની પરિણીત મહિલાને તેના ઘરે મુકી દેવાનું કહી મોટર સાયકલ પર બેસાડી લઇ આગળ જઇ કંબોઇ ગામે રોડ પર મોટર સાયકલ ઉભી રાખી તે મહિલા પાસે બદકામ કરવાની માંગણી કરી હતી. જેની મહિલાએ ના પાડી દેતા મહિલાને મારી નાખવાની ધાક ધમકી આપી તેની આબરૃં લેવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પરિણીતાના ડાબા હાથ પર ચપ્પુ મારી ઇજાઓ પહોંચાડી હતી. પરિણીતાને સારવાર અર્થે દાહોદના દવાખાને લાવતા આ યુવાનો મહિલા અને તેણીના પતિને દવાખાને આવી ગાળો બોલી માર મારી ઇજા કરી મારી નાખવાની ધાક ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.

રામપુરા ગામના મુકેશભાઇ લાલુભાઇ ભાભોર, સોમાભાઇ લાલુભાઇ ભાભોર તથા અનિલભાઇ લાલુભાઇ ભાભોર તેમજ મુકેશભાઇના સાંજના સાડા છથી સાતેક વાગ્યા દરમિયાન વલુન્ડી ગામની એક પરિણીત મહિલાને તેના ઘરે મુકી દેવાનું કહી મોટર સાયકલ પર બેસાડી લઇ થોડે આગળ કંબોઇ ગામે રોડ પર મોટર સાયકલ ઉભી રાખી તે મહિલા સાથે બદકામ કરવાની માંગણી કરી હતી. પરંતુ તે મહિલાએ તે માટે સાફ સાફ ના પાડી દેતા ઉપરોક્ત ચારેજણા એકદમ ઉશ્કેરાયા હતા.

અને તે મહિલાની આબરૃ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા તેઓએ મહિલાને જાનથી મારી નાંખવાની ધાક ધમકી આપી હતી. ઉપરાંત મુકેશભાઇ લાલુભાઇ ભાભોરે મહિલાના ડાબા હાથે ચપ્પુ મારી હાથ લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ મુકેશભાઇ ભાભોર તે મહિલાને પોતાની મોટર સાયકલ પર બેસાડી લઇ જઇ રસ્તામાં ઉતારી દઇ જતો રહ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલા તથા તેના પતિ મહિલાની સારવાર માટે દાહોદ દવાખાને ગયા હતા. ત્યાં પણ આ યુવકોએ આવી મહિલાના પતિને બુશર્ટ પકડી માર મારી બંને જણાને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયા હતા. આ સંબંધે પરિણીતાએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

(6:43 pm IST)