Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોંગી દ્વારા પંચાયત પરિષદ હક્કો અંગે ૨૩મીએ દેખાવ

ભરતસિંહ સોલંકી દ્વારા ભાજપ પર પ્રહારોઃ ભાજપ ખાતાની ભાગબટાઇમાં વ્યસ્ત ત્યારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને બે ટંકનો રોટલો મળતો જ નથી

અમદાવાદ,તા. ૧૬, ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ગુજરાતની પ્રજા માટે આઝાદીની લડાઇ સમાન હતી, માંડ માંડ સત્તામાં આવેલી બાજપ સરકારમાં સત્તાની સાઠમારી અને મલાઇદાર ખાતા માટે હુંસાતુંસી જોવા મળી રહી છે. ભાજપ એકબાજુ ખાતાની ભાગબટાઇમાં વ્યસ્ત છે ત્યારે બીજીબાજુ, ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારનો બે ટંકનો રોટલો પણ મળતો નથી. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ પંચાયતોના હક્કો પર ભાજપની તરાપ નીતિ અને અધિકાર છીનવતા રાજકારણ સામે મક્કમતાપૂર્વક લડશે અને તા.૨૩મી જાન્યુઆરીએ ગાંધીનગરના સત્યાગ્રહક છાવણી ખાતે પંચાયત પરિષદના હક્કો અંગે વિરોધ પ્રદર્શન અને ધરણાં કરશે એમ અત્રે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા પર બહુમતીના જોરે છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાત રાજ કરતી ભાજપની નિષ્ફળ નીતિઓથી લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરેક વર્ણ અને વયના લોકોનો સરકાર સામે ઉગ્ર રોષ છે. ગુજરાતના ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણીમાં ભલે કોંગ્રેસની બેઠકો ઓછી રહી પરંતુ લોકોના દિલ સુધી પહોંચવામાં તે સફળ થઇ છે. ભાજપનું ગુજરાત મોડેલ એવું છે કે જયાં લોકશાહીના મંદિરમાં વિપક્ષના અવાજને સતત દબાવવાનો પ્રયાસ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંસદીય ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યુ હશે કે, જયારે પ્રજાનો મેન્ડેટ મળેલા ધારાસભ્યો હજુ એક મહિનાથી શપથ લઇ શકયા નથી. જે કમનસીબ ઘટના કહી શકાય. એક મહિનાથી વધુ સમય થવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભાનો હિસ્સો બની શકયા નથી. કોંગ્રેસ આગામી દિવસોમાં ગૃહમાં ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપવા મહાત્મા ગાંધીની વિચારધારાને ધબકતી રાખી સરદાર પટેલની કાર્ય પધ્ધતિને સાર્થક કરવા અને પ્રજાને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ચુંગાલથી મુકત કરાવવા પ્રયત્નશીલ રહેશે.

(9:51 pm IST)