Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જનતાની સમસ્યા માટે ગૃહમાં કોંગ્રેસ આક્રમક દેખાવો કરશે

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની સાફ વાતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નિષ્ક્રિય રહેનારા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો સામે કાર્યવાહી થશે : ગેહલોત

અમદાવાદ,તા. ૧૬, કોંગ્રેસ એક વિચારધારા છે અને વિધાનસભામાં હોશ અને જોશના સમન્વય સાથે કોંગ્રેસ આગળ વધશે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતાની સમસ્યાઓના સમાધાન માટે આક્રમક અને મક્કમતાપૂર્વકનો દેખાવ કરશે એમ અત્રે કોંગ્રેસ પક્ષના(વિરોધપક્ષના)નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. ધાનાણી તા.૨૨મી જાન્યુઆરીએ વિપક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળશે. હોદ્દો સંભાળતાની સાથે જ તેઓ વિપક્ષના સાથીઓની બેઠક પણ યોજશે અને સરકારને વિધાનસભામાં ઘેરવાની રણનીતિ તૈયાર કરશે. જેમાં ખેડૂતો અને યુવાઓ મુદ્દે સરકારને ઘેરવાની સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ડો.પ્રવીણ તોગડિયાના રહસ્યમય પ્રકરણને લઇ ભાજપ સરકાર સામે ફરી એકવાર સવાલો ઉઠાવ્યા હતા અને પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ડો.તોગડિયાએ તેમના એન્કાઉન્ટરની દહેશત વ્યકત કરી છે, તે અંગે સરકાર-તંત્રએ તાકીદે ખુલાસો કરવો જોઇએ. આજે દેશમાં હિંસા અને નફરતના રાજકારણમાં લોકો જીવી રહ્યા છે. ભાજપની ડરાવવાની અને રાજ કરવાની રાજનીતિ ફરી એકવાર પ્રજામાં ખુલ્લી પડી ગઇ છે. તેમણે રાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટિસ આપ્યા બાદ પાછી ખેંચી લેવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. ગેહલોતે એ મુદ્દે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે નિષ્ક્રિય રહેનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરો-આગેવાનો વિરૂધ્ધ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થશે જ.

કોંગ્રેસ પક્ષમાં અનુશાસનહીનતા કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. સંગઠનમાં પણ જે કોઇ કસૂરવાર હશે તેઓની સામે પણ પગલાં લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે, પક્ષના હાઇકમાન્ડ દ્વારા આ અંગેના અહેવાલને ધ્યાનમાં લીધા બાદ નિર્ણય લેવામાં આવશે.

(9:50 pm IST)