Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

વાપીમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના રેકર્ડ રૂમમાં લાગી આગ

રેકર્ડ રૂમમાં રાખેલા એક્સટિંગ્વિશર જાન્યુઆરી 2020થી રિફિલ કર્યા વિનાના જ શોભાના ગાંઠિયા સમાન

વલસાડ જિલ્લાના વાપીની મુખ્ય બજારમાં આવેલા બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ પર ગણતરીની મિનિટોમાં ફાયરે કાબુ મેળવ્યો હતો. પરંતુ પાણીના મારામાં બેંકના રેકર્ડ પલળી ગયાં હતા. જ્યારે રેકર્ડ રૂમમાં રાખેલા ફાયર સેફટી માટેના એક્સટિંગ્વિશર એક વર્ષથી રિફિલ ના કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

મુખ્ય બજારમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી લોકોએ ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોયા હતાં. જેથી આસપાસના લોકોએ ફાયરને જાણ કરી હતી. આગની જ્વાળા વધુ પ્રસરે તે પહેલાં ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બજારમાં ટ્રાફિક જામને ક્લિયર કરાવ્યો હતો. ફાયરે આગ પર કાબુ મેળવ્યા બાદ રેકર્ડ રૂમમાં કેટલી નુકસાની થઈ છે. ક્યાં કારણોસર આગ લાગેલી તેનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

રેકર્ડ રૂમમાં રાખેલા એક્સટિંગ્વિશર જાન્યુઆરી 2020થી રિફિલ કર્યા વિનાના જ શોભાના ગાંઠિયા સમાન લાગતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારે નવા વર્ષને લઈને બેન્ક બંધ હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ રેકર્ડ પાણીમાં પલળી જતાં નકામા બન્યાં હતાં.

(11:47 pm IST)