Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજ્યની શાળાઓમાં વર્ગ ઘટાડા માટેની સુનાવણી અને વર્ગ બંધ કરવાના હુકમો સ્થગિત સ્થગિત રાખો

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી માગણી કરી છે. ગત વર્ષે રાજ્યમાં 600 કરતા વધુ વર્ગો બંધ થયાનું અનુમાન

અમદાવાદ : રાજ્યની શાળાઓમાં વર્ગ ઘટાડા માટેની સુનાવણી સ્થગિત રાખવા માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી માગણી કરી છે. કેમ કે, ગત વર્ષે રાજ્યમાં 600 કરતા વધુ વર્ગો બંધ થયાનું અનુમાન છે ત્યારે ચાલુ વર્ષે વર્ગ ઘટાડા માટે થઈ રહેલી સુનાવણી તથા વર્ગ બંધ કરવાના હુકમો સ્થગિત કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. કોરોનાની અસર આગામી વર્ષોમાં પણ ચાલુ રહે તેમ હોવાથી વર્ગની 60ની સંખ્યામાં 30 ટકા કપાત કરી વર્ગ દીઠ 40થી 45ની સંખ્યા નિયત કરવા પણ જણાવાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા 2020-21ના વર્ષ માટે ધોરણ-9થી 12માં એક વર્ગ માટે ગ્રામ્ય વિસ્તારમાં 18 અને 2 વર્ગ માટે 42 + 18 અને શહેરી વિસ્તારમાં એક વર્ગ માટે 25 અને 2 વર્ગ માટે 42 + 25ની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના બાદ શાળાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ વાલીઓ હજુ પ્રવેશ બાબતે સક્રીય થયા નથી. ધોરણ-8ની પ્રાથમિક શાળાઓમાંથી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓના વાલીઓએ લીવીંગ સર્ટિફીકેટ કઢાવ્યા નથી. જેના કારણે ધોરણ-9માં પ્રવેશમાં વિલંબ થયો છે.

રાજ્ય બહારથી આવીને ગુજરાતમાં સ્થાયી થયેલા લોકોનો એક સમુહ પોતાના વતનમાં ગયેલ છે અને તેમના બાળકોના પણ ધોરણ-9થી 12ના પ્રવેશ બાકી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંચાલક મંડળના હોદ્દેદારો પાસેથી મળેલી માહિતી મુજબ જ્યાં 2 કે વધુ વર્ગો ધોરણ-9ના છે ત્યાં 1 વર્ગની વિદ્યાર્થી સંખ્યા 60 સુધી એડમિશન થયા છે.

શાળા દ્વારા વાલીઓનો સંપર્ક કરતા તેઓ હાલમાં પ્રવેશ લેવાની ના પાડે છે. જિલ્લાવાર ગણતરી મુજબ નાના જિલ્લાઓમાં માધ્યમિક વિભાગના 20થી 22 વર્ગો પ્રવર્તમાન નિતીને કારણે બંધ થયા છે. જ્યારે મોટા જિલ્લાઓ અને મહાનગરોમાં 1થી 15 ઉચ્ચતર વિભાગમાં વર્ગો બંધ થવાની દહેશત છે. બંને વિભાગમાં 2020-21માં 600થી વધુ વર્ગો બંધ થાય તેવું અનુમાન છે.

આ સંજોગોમાં 1500થી વધુ શિક્ષકો નોકરી વગરના થાય તેવી અમને ભિતી છે. જેથી ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખીને 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જે તે જિલ્લામાં થઈ ગયેલા વર્ગ ઘટાડાની સુનાવણી તથા વર્ગ બંધ કરવાના હુકમ અને હવે થનારી સુનાવણીની તમામ કાર્યવાહીને નવા હુકમ કરીને સ્થગિત કરવામાં આવે તેવી માંગણી કરી છે.

કોરોનાની અસર આગામી વર્ષોમાં પણ ચાલુ રહી શકે છે ત્યારે ફક્ત એક વર્ગ હોય તો 60 વિદ્યાર્થી સંખ્યાને 35 ટકા કપાત ગણતાં શહેરી વિસ્તારમાં ફ્ક્ત એક વર્ગ હોય તો 25 વિદ્યાર્થી અને ગ્રામ્ય વિસ્તારમાં 18 વિદ્યાર્થી સંખ્યા નિયત નિયત કરવી જોઈએ.

(11:53 pm IST)