Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજપીપળાના વિહાર મોદીએ ઓસ્ટ્રેલિયામાં બીઝનેસ પરસન ઓફ ધ યર-૨૦૨૧ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો

ભારત દેશના યુવાનો માટે રાજપીપળા હાઈસ્કૂલમાં ભણેલા અને આધ્યાત્મિકતામાં ગીતાનું જ્ઞાન લીધા બાદ જીવનમાં પરિવર્તન લાવનારા વિહાર મોદી એક પ્રેરણા કહી શકાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના વતની અને છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા વિહાર મોદીએ વિદેશી ધરતી પર પોતાની મહેનત,આવડત થકી ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ તેમને એવોર્ડ આપી સન્માનિત કરતા ભારત દેશનું નામ રોશન કર્યું છે.આ એવોર્ડ બેન મોરટોન,ઓસ્ટ્રેલિયાના સ્પેશિયલ મિનિસ્ટર ઓફ સ્ટેટના હસ્તે સ્વીકારી વિહાર મોદીએ હર્ષની લાગણી અનુભવી હતી.

  નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ વિશ્વભરમાં પહોંચ્યું છે ત્યારે રાજપીપળાના યુવાન વિહાર મોદીએ રાજપીપળાથી શાળા પુરી કર્યા બાદ અન્ય શહેરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા તેમણે એન્જિનિયરિંગ કારકિર્દીની શરૂઆત કરી વધુ નોલેજ અને કુશળતા મેળવવા માટે તેમણે બે વર્ષમાં અન્ય 2 રાસાયણિક ઉદ્યોગોમાં કામ કર્યું,  2011માં વિહાર મોદીએ તેના નોલેજ અને કુશળતાને અપગ્રેડ કરવા માટે માતા-પિતાની આર્થિક મદદ વિના અને તેમના આશિર્વાદથી ઓસ્ટ્રેલિયા જઇ એડિથ કોવાન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. નોકરી પણ કરી એન્જિનિયરિંગની નોકરી પછી સબવેમાં પાર્ટ ટાઇમ કામ કરવાની શરૂઆત કરી 2016 ના અંત સુધીમાં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે એન્જિનિયરિંગની નોકરી છોડ્યા બાદ તે માને છે કે આ તેમનું મોટું જોખમ અને યોગ્ય નિર્ણય હતો. 2017 માં, છેલ્લે તેમણે થોડો ઓપરેશનલ અનુભવ સાથે પર્થમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો. તેમણે મોટાભાગની વ્યવસાયિક કુશળતા 3 વર્ષ શીખી અને 2019 માં પોતાનો વ્યવસાય વધારવાનું નક્કી કર્યું. 2020 માં તેમણે વધુ બે સ્ટોર ખોલ્યા અને તેનું ટર્નઓવર એક વર્ષમાં 300 % વધુ થઈ ગયું અને ત્યાં વધુ બે સ્ટોર્સનું નિર્માણ ચાલી રહ્યું છે, તેમણે ટર્નઓવરમાં 300 % વૃદ્ધિ સાથે જબરદસ્ત વૃદ્ધિ કરી છે. તેમણે ઘણા ભારતીયોને તેમની રેસ્ટોરાંમાં નોકરી મેળવવા અને હજી પણ તેમના માટે કામ કરવામાં મદદ કરી છે.આમ ભારતીયો માટે લાગણી અને સન્માન આપી કદર કરે છે ત્યારે હાલની સ્થિતિમાં  વિહાર મોદીએ વિદેશી ધરતી પર પોતાનો વ્યવસાય જમાવી ઇન્ટરનેશનલ બીઝનેસ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી એવોર્ડ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે જેમાં તેમના ધર્મ પત્ની સપનાબેન મોદી નો પણ સાથ સહકાર હોય એ તબક્કે એ કહેવું યોગ્ય હશે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ ઉક્તિ આ યુવાનની સંઘર્ષમય સફરમાં સાર્થક થયેલી જોવા મળી છે.આમ રાજપીપળા ના યુવાન વિહાર મોદીની આ સફર ભારત દેશના યુવાનો માટે પ્રેરણારૂપ કહી શકાય.

(10:04 pm IST)