Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાન હરીશ પરમાર આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા

આવતીકાલે શહીદ જવાનના પાર્થિવદેહને વતન લવાશે: 2500 ની વસતી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું

અમદાવાદ :ગુજરાતના વધુ એક જવાને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે.ખેડાના કપડવંજના વણઝારીયા ગામના વતની હરીશ પરમાર આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે.જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી.જેમાં દેશની રક્ષા કરતા કરતા હરીશ પરમારે શહીદી વ્હોરી હતી.કાલે શહીદ જવાનના પાર્થિવદેહને વતન લવાશે.

 25 વર્ષિય હરીશ પરમાર 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને તેઓનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું, ત્યારે ઘરનો યુવાન દીકરો શહીદ થયાના સમાચાર મળતા પરિવારના માથે આભ ફાટ્યું છે, તો 2500 ની વસતી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં 60માં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારે સુરક્ષા દળો પર બીજો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જવાન શહીદ થયા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છેલ્લા 10 દિવસથી છૂપાઇને બેઠેલા છે. આ આતંકવાદીઓ LOCથી ઘૂસણખોરી કરીને આવ્યા હતાં અને મુગલ રોડથી કાશ્મીર જવાની ફિરાકમાં છે. જે જગ્યાએ આતંકીઓ ઘેરાઇ ગયા છે, તે ગાઢ જંગલ છે. આ વિસ્તાર મુગલ રોડ માર્ગ પર ડેરાની ગલીથી બફલિયાજની વચ્ચે છે. આ વર્ષે આતંકીઓએ 103 હુમલા કર્યા છે. આ હુમલાઓમાં 26 નાગરિકોના મોત થયા છે 32 જવાન શહીદ થયા છે. સુરક્ષા દળોએ 137 આતંકીઓને ઠાર મારવામાં સફળતા પણ મેળવી છે.

(9:49 pm IST)