Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજ્યની ગ્રાન્ટેડ શાળાની કફોડી હાલત : વિદ્યાર્થીઓ પાસે શાળાઓએ ફી લીધી નથી અને સરકાર તરફથી મળતી ફી ગ્રાન્ટ હજુ મળી નથી

રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને શાળાઓની ફી ગ્રાન્ટ વહેલી તકે ચુકવવામાં માગણી કરી

ગાંધીનગર: ધો.9થી 12ના વિદ્યાર્થીનીઓ પાસેથી શાળાઓની સરકારના નિયમ મુજબ ફી લીધી નથી અને બીજી બાજુ સરકાર તરફથી ફીની ગ્રાન્ટ હજુ સુધી મળી નથી. જેના કારણે રાજયની શાળાઓની હાલત કફોડી બની છે. પરિણામ સ્વરૂપે શાળાઓએ લોન લઈને પોતાના ખર્ચા કરવા પડ્યા છે. આ મુદ્દે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને શાળાઓની ફી ગ્રાન્ટ વહેલી તકે ચુકવવામાં આવે તે માટે માગણી કરી છે.

રાજ્યની બિન આદિજાતિ વિસ્તારની ધોરણ-9થી 12ની ગ્રાન્ટેડ નિભાવ અનુદાન લેતી અને ફી વિકલ્પવાળી બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓની વિદ્યાર્થીનીને સક્ષમ બનાવવા માટે વિનામુલ્યે શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ આ યોજનાનો લાભ ગ્રાન્ટેડ નિભાવ ગ્રાન્ટ લેતી અને ફી વિકલ્પવાળી શાળાઓમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોઈ પણ પ્રકારની ફી ન લેવાની શરતોને આધીન સરકારે નિયત કરેલા શિક્ષણ ફીનું ધોરણ ધ્યાનમાં લઈ દર વર્ષે ઓક્ટોબર અને માર્ચ માસમાં આવી શાળાઓને ફી ગ્રાન્ટ ચુકવવાનું ઠરાવેલું છે.

ગત નાણાકીય વર્ષ સને 2020-21 દરમિયાન આ પ્રકારની ગ્રાન્ટ રાજ્યની તમામ શાળાઓને ચુકવવામાં આવી નથી. ઉપરાંત ઠરાવમાં જણાવ્યા અનુસાર શાળાઓએ કોઈ પણ વિદ્યાર્થીનીઓ પાસેથી શિક્ષણ ફી પણ લીધી નથી. આ આખુંય વર્ષ આર્થિક સંકડામણની વચ્ચે સંસ્થાએ શાળામાં જરૂરી ખર્ચાઓ શાળા નિભાવ માટે કરવાના થાય તે તમામ ખર્ચાઓ શાળાએ લોન લઈને કર્યા છે. આ પ્રકારની નાણાકીય પરિસ્થિતી વચ્ચે શાળા ચલાવવામાં સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં શૈક્ષણિક વર્ષ 2021-22 શરૂ થઈ ગયો છે. શાળાઓ ઠરાવમાં થયેલી જોગવાઈ અનુસાર વિદ્યાર્થીનીઓ પાસેથી ફી લઈ શકતી નથી. ફી ગ્રાન્ટ વગર શાળા સંચાલન તથા નિભાવ કરવો ખુબ જ મુશ્કેલ બન્યો છે.

સરકાર તરફથી આ પ્રકારની ગ્રાન્ટ શાળાઓને મળનારા છે કે કેમ તે અંગે પણ કચેરી દ્વારા શાળાઓને જાણ કરવામાં આવી નથી. આ બાબતે વહેલી તકે સ્પષ્ટતા થાય તે ખુબ જ જરૂરી છે. જેથી આ મુદ્દે રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પત્ર લખી મુખ્યમંત્રી, નાણામંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ માગણી કરી છે કે, ફી વિકલ્પે ગ્રાન્ટ બાબતે વહેલી તકે નિર્ણય કરી શાળાઓને જણાવવામાં આવે અને નાણાકીય વર્ષ 2020-21ની ચુકવવાની બાકી ગ્રાન્ટ વહેલી તકે શાળાઓને ચુકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. શાળાઓને આર્થિક મુશ્કેલીઓ ન પડે તે માટે વહેલી તકે નિર્ણ કરી બાકી ગ્રાન્ટની ચુકવણી કરવા માગણી કરાઈ છે.

(9:00 pm IST)