Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વ્યારા તાલુકા પંચાયતમાં ભંગાણ : કોંગ્રેસના 5 સભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા સતાનું પરિવર્તન

વ્યારા તાલુકા પંચાયતમાં 20 બેઠકો : ભાજપ પાસે 6 બેઠક જ હતી.:તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 5 સભ્યો ભાજપમાં જોડાઈ જતા ભાજપનું સંખ્યાબળ 11 થયું

તાપી જિલ્લામાં કોંગ્રેસમાં એક મોટો ફટકો પડ્યો છે. તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા વ્યારા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે.

રિપોર્ટ અનુસાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તાપી જિલ્લાના વ્યારાની મુલાકાતે હતા. તે સમયે વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના 5 સભ્યોએ મંત્રી મુકેશ પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સભ્યોમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુ ગામીત, ન્યાય સમિતિના અધ્યક્ષ ઈશ્વર ગામીત, દિવ્યા ગામીત, દયા ગામીત અને શર્મિલા ગામીતનો સમાવેશ થાય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યારા તાલુકા પંચાયતમાં 20 બેઠકો છે. પહેલા ભાજપની પાસે 6 બેઠક જ હતી. પણ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 5 સભ્યો ભાજપમાં જોડાઈ જતા ભાજપનું સંખ્યાબળ 11 થયું છે અને તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી વધતા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, તાપી જિલ્લો આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત જિલ્લો બનશે.

 રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ કોંગ્રેસને આ પહેલો ફટકો પડ્યો છે. એક તરફ રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના જ તાલુકા પંચાયતના સભ્યો ભાજપની સાથે જોડાઈ રહ્યા છે. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ હવે ગુજરાતના નવા સંગઠનની રચના થશે. ત્યારે ગુજરાત પ્રદેશનું સુકાન સંભાળવા માટે કનુ કલસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલે દાવેદારી નોંધાવી છે.

(7:59 pm IST)