Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વર્ષો જુની સમસ્યાનો એક ઝાટકે આવ્યો ઉકેલ :સરકારી નોકરી કરતા પતિ પત્ની એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યો પરિપત્ર: પત્ની માટે એક વર્ષે, પતિને 2 વર્ષ નોકરીનો સમય હશે તો બદલી થઈ શકશે

અમદાવાદ : રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે નિર્ણય લઇ રહી છે ગઈકાલે કરાર આધારીત કર્મચારીઑની બદલીને લઈ નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે સરકારી નોકરી કરતા પતિ-પત્ની માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર વતી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મીઓ હવે એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારી ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની ફરજ બજાવી હશે તો પતિ-પત્ની એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે. તેને લઈને સરકારે બહાર પાડેલી જોગવાઈનું પાલન થતું હોવું ખૂબ જરૂરી છે. તેમજ અપવાદ રૂપ જો પતિ પત્ની એક જ સ્થળે/ નજીકના સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરુષ કર્મચારીએ એક વર્ષથી સેવા બજાવી હોય તો પણ એક વર્ષ બાદ તેમની બદલી/જિલ્લા ફેર બદલી કરી શકાશે. સાથે વિભાગ આ બદલીએ સપૂર્ણ પારદર્શક રીતે કરે તેને લઈને પણ આદેશ પારિત કરવામાં આવ્યા છે.

કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ફિક્સ પગાર કરાર આધારિત કર્મચારીઓની હવે બદલી થઈ શકશે.લાંબા સમયથી કરાર આધારિત કર્મચારીઑ બદલીને લઈને માંગ કરી રહ્યા હતા ત્યારે દશેરાના દિવસે સરકાર તરફથી મોટી રાહત કરાર આધારિત કર્મચારીઑને આપવામાં આવી છે. હવે ફિક્સ પગાર ધરાવતા આ કર્મચારીઑ પણ બદલીનો લાભ લઇ શકશે.મહત્વનું છે કે 2015ના પરિપત્ર પ્રમાણે બદલી માટે કોઈ જોગવાઈ ન હતી. જેમાં ફેરબદલ કરી હવે કર્મચારીની પ્રતિનિયુક્તિ આધારે બદલી થઇ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

(7:35 pm IST)