Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વડોદરામાં આઈપીએલની ફાઇનલ મેચ પર સટ્ટો રમાડતા યુવકને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો

વડોદરા: ચેન્નઇ સુપરકિંગ વર્સીસ કોલકત્તા નાઈટ રાઈડર્સની ફાઈનલ ક્રિકેટ મેચ ઉપર વેબસાઇટના માધ્યમથી મોબાઈલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમાડતો વારસિયા વિસ્તારના હર્ષ નેજામાંને પોલીસે ઝડપી પાડી 2.64 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેર સીટી પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વારસિયા વિસ્તારમાં આવેલા જુના આરટીઓ પાસેની વેદમાતા ગાયત્રી સોસાયટીના મકાન નંબર 40માં રહેતો હર્ષ રાજુભાઈ નેજામાં પોતાના ઘરે આઇપીએલ ટી 20 ચેન્નઈ સુપર કિંગ વર્સીસ કોલકત્તા નાઈટ રાઈડર્સ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી હર્ષ નેજામાંને તેના ઘરમાંથી ઝડપી પાડયો હતો. આરોપીના મોબાઇલ ફોનમાંથી અલગ-અલગ વેબસાઈટમાં અલગ-અલગ આઇડી બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી  વેબસાઇટ વડે ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 40 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા ક્રિકેટ સટ્ટાના રોકડા રૂપિયા 2,24,550 મળી કુલ 2,64,550 ની મતા કબજે કરી આરોપીની જુગારધારાની કલમો હેઠળ અટકાયત કરી હતી જ્યારે અન્ય એક કેનેરા બેંક ખાતાધારક શખ્સને વોન્ટેડ જાહેર કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)