Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગાંધીનગરના રૂપાલ ગામમાં વર્ષોની પરંપરા મુજબ વરદાયીની માતાજીની પલ્લી નીકળીઃ લાખો ભાવિકો માતાજીને ઘી ચડાવ્યુ

બાળકોનો જન્મ થયો હોય તેવી મહિલા દ્વારા પલ્લીની સ્તુતિવંદના

ગાંધીનગર (gandhinagar) ના રૂપાલ ગામમાં પરંપરાગત પલ્લી નીકળી હતી. દશેરા ની મોડી રાત્રે મા વરદાયિનીની પલ્લી નીકળી હતી. આ વખતે કોરોના મહામારીને કારણે માત્ર ગામના લોકોની હાજરીમાં જ પલ્લી નીકળી હતી. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનને રોશનીથી સજાવાય છે. અને માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાય છે. પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લી (rupal ni palli) ના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે.

પલ્લીમાં સમાજના દરેક વર્ગના લોકોને ફાળે કામ આવે છે. વણકર સમાજ ખીજડાના વૃક્ષને કાપવાનુ કામ કરે છે. 

  • સુથાર સમાજ પલ્લી ઘડવાનું કામ કરે છે
  • વાળંદ સમાજ પલ્લી પર વરખડીના સોટા લગાવે છે
  • માળી સમાજ ફુલોથી પલ્લીનો શણગાર કરે છે
  • પ્રજાપતિ એટલે કે કુંભાર સમાજ પલ્લીના પર પાંચ કુંડાનું સ્થાપન કરે છે
  • પંચોલી સમાજના લોકો પલ્લી પહેલાં વરદાયીની માતા માટે ખીજડાનો પ્રસાદ બનાવે છે
  • શુક્લ સમાજના બ્રાહ્મણ પલ્લીની પૂજા વિધી કરે છે
  • પટેલ સમાજ પલ્લી પર દીપ પ્રાગટ્ય કરે છે  
  • મુસલમાન ધર્મના પીંજારા કુંડામાં કપાસીયા ભરે છે 
  • ક્ષત્રિય સમાજના લોકો પલ્લીનું રક્ષણ કરે છે
  • પટેલ અને વણિક સમાજના લોકો પલ્લીને ઉપાડીને તેનુ વહન કરે છે 
  • વાલ્મિકી સમાજના લોકો પલ્લી પર ચઢાવેલ ધી એકઠું કરી પોતાના સગા સંબંધીઓને પ્રસાદ રૂપે પહોંચાડે છે
  • પલ્લીમાં વપરાતા લોખંડના ખીલા પંચાલ સમાજ તરફથી આપવામાં આવ છે

અમદાવાદમાં પણ પલ્લી નીકળી
દશેરા પર્વ નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પરંપરાગત રીતે 137 મી પલ્લી યાત્રા નીકળી હતી. આ પલ્લી યાત્રા નરોડા ગામના દરબારવાસથી નીકળી ગામમાં ફરી રાંદલ માતાજીના મંદિરે લઇ જવાઇ હતી. મહત્વનું છે કે પલ્લીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નરોડા પોલીસે મોડી રાત્રીથી જ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નરોડા વિસ્તારમાં છેલ્લા 136 વર્ષથી પરંપરાગત પલ્લી નીકળે છે, જેનું અનોખું મહાત્મ્ય રહેલું છે. વર્ષો પહેલા ગામમાં  ખતરનાક રોગથી અનેક પશુ-પક્ષીઓ સહિત નાગરિકોના જીવ જોખમમાં મૂકાયા હતા અને ગામમાંથી હિજરત કરી લોકો ગામ છોડી જવા ભાગ્યા હતા. માતાજીને પ્રાર્થના બાદ રોગચાળો અટક્યો હતો. પારંપરિક પલ્લીમાં આ વર્ષે 200 જેટલા ગામના સ્થાનિકો જ પલ્લીની સાથે હાજર રહી કોઇને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાઇ હતી.

(5:09 pm IST)