Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

દર્શનાર્થીઓના અવિરત પ્રવાહ વચ્ચે રૂપાલમાં ઐતિહાસિક પલ્લીની પૂર્ણાહુતિ

ઐતિહાસિક રૂપાલ ગામમાં પલ્લીની પૂર્ણાહુતિ થતા માતા વરદાયિનીની પલ્લી મંદિરના પ્રાંગણમાં મુકાઈ

ગાંધીનગર, તા.૧૬: ઐતિહાસિક રૂપાલ ગામમાં પલ્લીની પૂર્ણાહુતિ થતા મા વરદાયિની પલ્લી મંદિરના પ્રાંગણમાં મુકાઈ છે, જે દરમિયાન દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ દર્શન માટે યથાવત જોવા મળ્યો હતો. વહેલી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા રૂપાલ પહોંચ્યા હતા જયાં પલ્લીમાં ઘી ચઢાવી માઇ ભકતોએ પોતાની માનતા પુરી કરી હતી.

મહત્વનું છે કે રૂપાલ ગામમાં હજારો વર્ષોની પલ્લીની પરંપરા કોરોનાકાળ વચ્ચે પણ અકબંધ રહી છે. અગાઉ લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી આ વર્ષે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના દ્યરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જયારે ગામના ૨૭ ચોકમાં પ્રતિકાત્મક રીતે દ્યીને અભિષેક કરાયો હતો.

અહી ઉલ્લેખનિય છે કે કોરોનાકાળ પહેલાં દરેક ચોકમાં ઘીના પીપડાં-ટ્રેકટર ભરેલા રહેતાં જેમાં ડોલે-ડોલે પલ્લી પર દ્યીનો અભિષેક થતો હતો. જોકે કોરોનાને પગલે છેલ્લે બે વખતથી પલ્લીમાં દ્યીની નદીઓ નથી વહીં, પરંતુ સામાન્ય દિવસોમાં રાત્રે નીકળતી પલ્લી આ વખતે વહેલી સવારે મંદિરે પહોંચી હતી, જો કે પલ્લી બન્યાના માત્ર એક જ કલાકમાં પલ્લી ચોકમાં ફરીને મંદિર પહોંચી હતી, પલ્લી યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉચ્ચઅધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો સહિત સુરક્ષ દળની ટુકડીઓ તૈનાત જોવા મળી હતી.

(4:15 pm IST)