Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતીયા અને મનોજ પનારાનો છુટકારો

સંસદીય ચૂંટણીમાં મતદારોને વચન-લાલચ આપી પ્રલોભન આપવા અંગેના કેસમાં સજા પામેલા... નીચેની કોર્ટ દ્વારા આરોપીઓને એક-એક વર્ષની સજા ફટકારી હતી : સજાના હુકમ સામે થયેલ અપીલમાં મોરબી સેસન્સ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરી ત્રણેયને નિર્દોષ છોડી મુકાયા

રાજકોટ, તા. ૧૬ :  સંસદીય ચૂંટણીમાં મતદારોને લાલચ આપી મતદાન કરવાનું પ્રલોભન આપવાના ગુનામાં પકડાયેલ અને સજા પામેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય પૂર્વધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા મનોજભાઇ પનારા એ સજાના હુકમ સામે કરેલ અપીલનો કેસ આજે ચાલી જતા મોરબીની સેસન્સ અદાલતે ઉપરોકત ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરીને નીચેની કોર્ટ દ્વારા થયેલ સજાના હુકમને રદ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય) અને મનોજ પનારા વિરૂધ્ધ ગત તા. ૮-૩-૦૯ ના રોજ મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી ભાજપ યુવા મોરચો અને મહિલા મોરચાના સંયુકત ઉપક્રમે નૂતન મતદાર સમારોહનું મોરબીના આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં સંસદીય ઉમેદવારને વધુને વધુ મતોથી મતદાન થાય તેવા પ્રથમ બુથને રૂ. પ લાખ બીજા બુથને રૂ. બે લાખ તથા ૩જા બુથને રૂ. ૧,પ૧,૦૦૦ સંસદ સભ્યની ગ્રાંટમાંથી ફાળવણી કરવા ડો. નિમાબેન આચાર્યએ વચન આપી જાહેરાત કરી હતી. આ કામે કાંતિલાલ અમૃતિયાએ આચાર સંહિતાનો ભંગ કરી પોતાના વકતવ્યમાં મત વિસ્તારમાં વધુને વધુ લીડ આપશે તે વિસ્તારમાં સંગઠનની રૂ.૧,પ૧,૦૦૦નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી અને મનોજ પનારાએ આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

આ બનાવ અંગે મદદનીશ ચુંટણી અધિકારી એ. જે. પટેલે મોરબી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં કલમ ૧૭૧ (બ) ૧૮૮ અને ૧૧૪ મુજબનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયેલ તે ગુનાના કામે કેસ ચાલી જતા તા. ૧ર ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ એડી. ચીફ કોર્ટે ત્રણેય આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ ફટકર્યો હતો.

આ હુકમથી નારાજ થઇને આરોપીઓએ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ ચાલી જતા એડી. સેસ. જજશ્રી એમ. કે. ઉપાધ્યાયે ત્રણેય આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતા અને નીચેની કોર્ટનો ચુકાદો રદ કર્યો હતો.

આ કામમાં નિમાબેન વતી રાજકોટના એડવોકેટ અનિલભાઇ દેસાઇ રોકાયા હતા. કાંતિભાઇ અમૃતિયા વતી લલિતસિંહ શાહી, સી.એમ. દક્ષિણી, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, હિતેષ ગોહિલ વિગેરે રોકાયા હતા જયારે આરોપી મનોજ પનારા વતી મોરબીના એડવોકેટ પી.પી. સૌરીયા રોકાયા હતાં. 

(3:01 pm IST)