Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

અમદાવાદ RTO કચેરીના ૨૫ કર્મચારી કોરોના સંક્રમિત

અરજદારોને ઓનલાઇન પ્રક્રિયા કરવા અપીલ : અમદાવાદ આરટીઓ ખાતે ભીડ ન થાય તે માટે ફક્ત અપોઇન્ટમેન્ટ લઈને આવતા લોકોને પ્રવેશ અપાય છે

અમદાવાદ,તા.૧૬ : અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. રોજના હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં ૨૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ક્લર્ક સહિતના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે, આથી જ સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. સતત સંક્રમણ વધી રહ્યું હોવાથી આરટીઓ તરફથી અરજદારો ઓનલાઈન પ્રક્રિયા કરે તેવી અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ આરટીઓ બી વી લિબાસિયાએ વાત કરતા જણાવ્યું છે કે, આરટીઓ કચેરીમાં ૨૫ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ કર્મચારીની તબિયત સારી છે. હાલ આરટીઓ કચેરી મુલાકાતીઓ માટે બંધ કરી છે. ભીડ ન થાય તે માટે ફક્ત અપોઇન્ટમેન્ટ લઈને આવતા લોકોને પ્રવેશ અપાય છે. જે પણ લોકો આરટીઓ આવે છે તેઓ પણ માસ્ક પહેરીને આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ આરટીઓ કચેરીમાં લાઇસન્સ અને વાહનને લગતી કામગીરી માટે મોટી સંખ્યામાં અરજદારો આવે છે. આ તમામ લોકોને આરોટીઓ તરફથી હવે ઓનલાઇન કામ પતાવવાની અપીલ કરવામાં આવી છે.

આરટીઓની વેબસાઈટ પરથી અનેક કામ માટે ઓનલાઈન પ્રક્રિયા કરી શકાય છે. જોકે, અમુક કામ માટે ઓનલાઈન પ્રકિયા પૂર્ણ કર્યા પછી પણ આરટીઓ કચેરીએ જવું પડે છે. જેના પગલે આરટીઓ કચેરી ખાતે અરજદારોની ભીડ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના. કારણ કે લૉકડાઉનની અત્યારે કોઇ જરૂર નથી. લૉકડાઉન કોરોનાનું કોઇ સમાધાન પણ નથી. અમે રાત્રિ કર્ફ્યૂ કર્યો એટલે ૨૪ કલાકમાંથી ૧૦ કલાક લૉકડાઉન જ છે. અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી છે. ઓફિસમાં ૫૦ ટકા સ્ટાફ, જીમ, મોલ, થિયેટર બંધ છે. છેલ્લે જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે આખા દેશમાં થયું હતું.

(9:31 pm IST)