Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રાત્રીના સુમારે કર્ફ્યુના સમયમાં જન્મદિવસની ઉજવણી કરનાર 6 યુવાનોને પોલીસે ઝડપી પાડયા

નડિયાદ: તાલુકા માં કોરોનાનો અજગરી ભરડો દિવસે દિવસે વધુ ને વધુ વ્યક્તિઓને પોતાના પંજામાં જકડી રહ્યો છે. પ્રજા સંક્રમિત ના થાય તે માટે સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનો અમલ કરાવવા પોલીસ કાર્યરત બની છે.

ગઈકાલે સાંજે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ચંપા તલાવડી નજીક કેટલાક મિત્રો ભેગા થઈ એક મિત્રની બર્થ ડે ઉજવતા હતા. નિયમનો ભંગ કરી બર્થ ડે ઉજવતા હોય પોલીસે તેમને પકડવા માટે પ્રયત્ન કરતા કેટલાક મિત્રો ભાગી ગયા હતા જ્યારે મિત્રો હાથમાં આવી જતા તેમની સામે જાહેરનામાનો ભંગ બાબતની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમ પોલીસ ગઈકાલે પશ્ચિમ વિસ્તારમાં આવેલ પવનચક્કી વિસ્તારની ચંપા તલાવડી નજીકથી પસાર થઈ હતી તે વખતે કેટલાક યુવાનો ટોળે વળી બર્થ ડે પાર્ટી કરી રહ્યા હતા. યુવાનોએ ચહેરા પર માસ્ક બાંધ્યું હતું તેમજ એકબીજાને અડી અડીને ઉભા રહી બર્થ ડે ઉજવતા હતા. આથી યુવાનોને પકડવા પોલીસે પ્રયાસ કરતા કેટલાક ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસના હાથે યુવાનો ઝડપાયા હતા. પોલીસને સ્થળ પર કાપેલી કેક નજરે પડી હતી. જેથી યુવાનો બર્થ ડે ઉજવવા માટે ભેગા થયા હોવાનું અનુમાન સાચું ઠર્યુ હતું. પોલીસે પકડાયેલા યુવાનોની પૂછપછ કરતા તે નડિયાદના હોવાનું માલુમ પડ્યું હતું. પકડાયેલા યુવાનોમાં મહેશભાઈ પરમાર, ધ્રુવેશભાઈ ગોહિલ, ચિરાગભાઈ પરમાર, ગણેશભાઈ સિંગાર, ઉમેશભાઈ ઠાકોર તથા મિલનભાઈ ગોહિલ હોવાનું બહાર આવ્યું હતું. લોકોની પૂછપરછમાં ઉમેશભાઈ ઠાકોરની બર્થ ડે હોય તેની ઉજવણી માટે ભેગા થયા હોવાનું તેમણે જણાવ્યું હતું કે પોલીસે તમામ ઉમેદવાર સામે જાહેરનામા ભંગની એટલે કે ૧૮૮ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:35 pm IST)