Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના મહામારી વચ્ચે સરકાર સાચા આંકડા જાહેર કરે-વેબ પોર્ટલ પણ બનાવેઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. આ વચ્ચે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સાચા અને પારદર્શી આંકડા જાહેર કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટે કહ્યુ કે, લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે સાચા આંકડા જાહેર કરવા જોઇએ. હાઇકોર્ટે કહ્યુ કે, સાચી માહિતી મળે તેવુ વેબ પોર્ટલ પણ સરકાર બનાવે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે અને મોત પણ વધુ થઇ રહ્યા છે. જોકે, સરકારી આંકડામાં આ કેસ અને મોતનો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે.

સરકાર છુપાવી રહી છે કોરોનાના આંકડા

ગુજરાતની રૂપાણી સરકાર પર કોરોનાના વધતા કેસ બાદ પોતાની ઇમેજ ખરાબ ના થાય તે માટે આંકડા છુપાવવાનો અંદર ખાને મોટો ખેલ ચાલી રહ્યો છે. હોસ્પિટલ દ્વારા સાચા આંકડા જાહેર કરવામાં આવે છે પણ રાજ્ય સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં જમીન-આસમાનનો ફરક જોવા મળે છે. દાખલા તરીકે રાજકોટમાં કોરોના વાયરસથી 24 કલાકમાં 82 લોકોના મોત થયા તો સરકારી આંકડામાં માત્ર 7 કે 8 જ મોત દર્શાવવામાં આવે છે. આ રીતે આંકડા છુપાવવાની રમતને કારણે ગુજરાત હાઇકોર્ટે સરકારને રોકડુ પરખાવ્યું હતું.

ગુજરાતમાં કોરોનાના દરરોજના 8 હજારથી વધુ પોઝિટિવ કેસ

ગુજરાતમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 2672 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 2631 તો શહેરી વિસ્તારના જ છે. જ્યારે સુરત જિલ્લામાં 1864 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય રાજકોટમાં 762, વડોદરામાં 486, જામનગરમાં 309, મહેસાણામાં 249, ભાવનગરમાં 170, ગાંધીનગરમાં 129, ભરૂચમાં 161, જૂનાગઢમાં 107, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103 અને પાટણ જિલ્લામાં 82 નવા દર્દીઓ ઉમેરાયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં નવા કેસ ઉમેરાવાની સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 3,75,768 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં 24 કલાકમાં જીવલેણ વાઈરસ 81 નાગરિકોને ભરખી ચૂક્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 28 અને સુરત જિલ્લાના 26 સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ એક જ દિવસમાં 8 હજારથી વધુ નવા કેસ ઉમેરાયા છે. અત્યાર સુધીમાં આ જીવલેણ વાઈરસના કારણે 5076 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(4:54 pm IST)