Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ગોમતીપુર વિસ્તારમાં આતંક મચાવનાર ટાબરીયા ગેંગનાં બે આરોપીઓ ઝડપાયા

આરોપીઓ સ્થાનિક વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા અને જે ન આપે તેને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપતા

અમદાવાદ:શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં આતંક મચાવનાર ટાબરિયા ગેંગનાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. આ આરોપીઓ સ્થાનિક વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા અને જે ન આપે તેને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપતા હતા. પકડાયેલી ટોળકીનાં શખ્સોએ ગઈકાલે ગોમતીપુરનાં એક વેપારીને ત્યાં મારામારી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને ત્યારબાદ ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે ગોમતીપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારની ટાબરીયા ગેંગનો આતંક સામે આવ્યો છે. અહી સીસીટીવી ફૂટેજનાં આધારે ગોમતીપુર પોલીસે વેપારીઓને પરેશાન કરનાર માથાભારે શખ્સોની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસે આરોપી જય અને તેના પિતાની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે અને ટોળકીનાં અન્ય સાગરીતોને પકડવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. સીસીટીવી ફૂટેજનાં આધારે ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં વેપારીઓનાં ત્યાં આતંક મચાવનાર બંને આરોપીઓને ઝડપી પાડયા છે અને પૂછપરછમાં વધુ ગુનાનાં ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.

ઘટનાની વિગત વાર વાત કરીએ તો, ગઇકાલે વાસી ઉતરાયણનાં દિવસે હપ્તો લેવા ગયેલી ટાબરીયા ગેંગને વેપારીએ રૂપિયા ન આપતા તોડફોડ કરી હતી. ટાબરીયા ગેંગ દ્વારા કરવામાં આવેલી તોડફોડનાં CCTV સામે આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, ગોમતીપુર વિસ્તારમાં ગંજી ફરાક મિલ પાસેની ઘટનામાં ગુંડાગીરી કરી સ્થાનિક વિસ્તારમાં વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાની ઘટના સામે આવી છે. ટાબરિયા ગેંગનાં આતંકથી પરેશાન વેપારીઓ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ટાબરિયા ગેંગ દ્વારા ગોમતીપુર અને આસપાસનાં વિસ્તારમાં વેપારીઓ પાસે યેનકેન રીતે રૂપિયા ઉઘરાવવામાં આવે છે. હવે વેપારી રૂપિયા આપવાની ના પાડે તો ચાકુ જેવું હથિયાર બતાવી અને ધમકી આપવામાં આવે છે તથા મારામારી પણ કરવામાં આવે છે. ટાબરીયા ગેંગ નશો કરતી હોવાનું પણ વેપારીઓની ફરિયાદમાં સામે આવ્યું છે. વેપારીઓનાં વાહનમાં તોડફોડ કરવી અને સ્થાનિક વિસ્તારોમાં મારામારી અને દાદાગીરી કરવા જેવા ટાબરીયા ગેંગનાં અનેક કૃત્યો સામે આવ્યા છે. જેના પગલે વેપારીઓ સીસીટીવી ફૂટેજનાં પુરાવાનાં આધારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે સતર્કતા દાખવી ગણતરીનાં કલાકોમાં ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગેંગ કેટલા સમયથી કાર્યરત છે, અને વ્યાપારીઓને કેવી રીતે પરેશાન કરે છે તે જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે.

(12:40 am IST)