Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વિપક્ષ નેતા ધાનાણી ધરણા કરશેઃ સીએમ રૂપાણીને પત્ર લખી જણાવ્‍યું ‘અંગત સચિવની નિમણુંક થતી નથી'

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મુખ્ય અગ્ર સચિવને પત્ર લખીને ચીમકી આપી છે કે, તેમના અંગત સચિવની નિમણૂંક નહીં કરવામાં આવે, તો તેઓ તેમના કાર્યાલય બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરશે.

પરેશ ધાનાણીએ પત્ર લખીને આરોપ મૂક્યો છે કે, મારા અંગત સચિવની જગ્યા ઉપર 31 જાન્યુઆરી 2020ના રોજ ડેપ્યુટી કંટ્રોલર તરીકે નિવૃત થયેલા એચ. જે. પારેખની નિયુક્તિ કરવામાં આવી હોવા છતા તેમની નિમણૂંકને હજુ મંજૂરી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, 4 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂકની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. આટલું જ નહીં, આ માટેની કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

CM રૂપાણીને લખેલા પત્રમાં વિપક્ષ નેતા ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકારના વિભાગોમાં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓને નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે.

આટલું જ નહીં, આ નિમણૂંકોમાં 7 જુલાઇ, 2016ના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિયુક્તિ પણ કરવામાં આવે છે. આ સાથે જ પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યમંત્રીના ધ્યાને દોરી છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કૈલાસનાથનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરેશ ધાનાણીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, CMOથી માંડીને અલગ-અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક ઝડપી કરવામાં આવતી હોય, તો મારા કાર્યાલય માટે નિમણૂંકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે?

વિપક્ષ નેતા ધાનાણીએ ખાલી પડેલી પોતાના અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(4:52 pm IST)