Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અમદાવાદના નવરંગપુરામાં પોલીસે યુવતિને ફડાકા ઝીંક્‍યાઃ વીડિયો વાયરલ

અમદાવાદ: નવરંગપુરામાં એચએલ કોલેજ રોડ પર નવરંગપુરા પોલીસની મોબાઇલ વાનના કોન્સ્ટેબલે યુવતીને લાફા માર્યાની ઘટનાનો બીજો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતી સાથે આવેલો એક યુવક કોંન્સ્ટેબલને પૈસા આપુ છું, પૈસા આપું છું તેમ બોલતો રહે છે, છતા બે પોલીસ જવાન યુવકને બળજબરી મોબાઇલ વાનમાં બેસાડી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઇશ્વરસિંહ સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દંડના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે પોલીસ જવાનો તણાવમાં હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.આ ઘટનાની તપાસ ડીસીપી ઝોન-1 ડૉ. રવિન્દ્ર પટેલે બી ડિવિઝન એસીપી એલ.બી.ઝાલાને સોપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માસ્કના દંડની વસુલવાની કાર્યવાહી માટે રાજ્ય સરકારે કોર્પોરેશનની હેલ્થ ટીમ, એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પ્રોટેક્શનમાં પોલીસને રાખવી જોઈએ જેથી ઘર્ષણની ઘટનાઓ ટાળી શકાય.

નવરંગપુરા પીઆઇ આર.જે.ચુડાસમાની મોબાઈલ વાન 1માં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઇશ્વરસિંહ સહિતના સ્ટાફના માણસોએ એચ.એલ.કોલેજ રોડ પર યુવકને માસ્કના દંડ મામલે પકડ્યો હતો. યુવકે રકઝક કરતા પોલીસે તેણે મોબાઈલ વાનમાં બેસાડ્યો હતો. તે સમયે યુવતીએ પોલીસને રોકવા બુમાબુમ કરતા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઈશ્વરસિંહએ યુવતીને બે લાફા મારી દીધા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બોલતા શખ્સે દાવો કર્યો હતો કે, યુવક દંડ ભરવા તૈયાર હતો છતાં પોલીસે આ કૃત્ય કર્યું અને યુવતીને લાફા માર્યા હતા. આજ ઘટનાનો બીજો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવક પૈસા આપી દઉં છું, પૈસા આપું છું. તેમ કહી પોલીસ જવાનોને કરગરી રહ્યો છે તો બીજી તરફ પોલીસ જવાનો યુવકને બળજબરીપૂર્વક મોબાઈલ વણમાં બેસાડી રહ્યા છે. આમ સમગ્ર મામલે મોબાઈલ વાનના અન્ય પોલીસ કર્મચારીઓ પર તપાસની તલવાર લટકી રહી છે.

ઝોન 1 ડીસીપી ડૉ. રવિન્દ્ર પટેલએ આ અંગે જણાવ્યું હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાનું મારા ધ્યાન પર આવ્યું હતું. જેમાં યુવતીને પોલીસ જવાન લાફા મારી રહ્યો છે. આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરનાર હેડ કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન કરવામાં આવ્યા છે. બી ડિવિઝન એસીપીને આ અંગે તપાસ સોંપાઈ છે.

માસ્કના દંડ મુદ્દે પ્રજા અને પોલીસ વચ્ચે સતત ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂ.1 હજારનો દંડ છતાં લોકો માસ્ક પહેરવામાં આળસ કરે છે તો બીજી બાજુ પોલીસને માસ્કના દંડનો ટાર્ગેટ હોવાથી તેઓ પણ કાર્યવાહી કડકાઇથી કરે છે. આ દરમિયાન આવી ઘર્ષણની ઘટનાઓ સર્જાય છે. દંડની રકમ રૂ.1 હજાર હોવાથી લોકો સીધા પૈસા ભરવાની જગ્યાએ પોલીસ જોડે રકઝક કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માસ્કના દંડની વસુલવાની કાર્યવાહી માટે રાજ્ય સરકારે કોર્પોરેશનની હેલ્થ ટીમ, એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પ્રોટેક્શનમાં પોલીસને રાખવી જોઈએ જેથી ઘર્ષણની ઘટનાઓ ટાળી શકાય.આ ઉપરાંત વાહનોના મેમો માટે અગાઉ મોબાઈલ કોર્ટ હતી. તે સિસ્ટમ ફરી શરૂ થાય તો પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ બનશે જ નહીં.

(4:45 pm IST)