Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાયો

ઠંડી અને ગરમીની મિશ્ર સ્થિતિથી લોકો પરેશાનઃ વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ : અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી

અમદાવાદ, તા.૧૬, અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાહતની બાબત એ પણ છે કે, કોલ્ડવેવ માટેની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે રાહત થઇ છે. કારણ કે લઘુત્તમ તાપમાનમાં હવે પહેલાની સરખામણીમાં વધારો થઇ ચુક્યો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ પાટનગર ગાંધીનગરમાં ૧૨.૨ અને ડિસામાં ૧૨.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. મળેલી માહિતી મુજબ જાણકાર લોકોનું કહેવું છે કે, ઉત્તરાયણ બાદ હવે ઠંડીથી રાહત મળશે. તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. હવામાન વિભાગના ૧૫મી જાન્યુઆરી ૧૪૩માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ

તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ

૧૩.૨

ડિસા

૧૨.૮

ગાંધીનગર

૧૨.૨

વીવીનગર

૧૮.૪

વડોદરા

૧૭.૬

સુરત

૨૦.૮

વલસાડ

૧૭.૧

અમરેલી

૧૬.૭

ભાવનગર

૧૮

પોરબંદર

૧૮.૯

રાજકોટ

૧૯.૩

સુરેન્દ્રનગર

૧૬.૫

ભુજ

૧૬.૬

નલિયા

૧૨.૪

કંડલા એરપોર્ટ

૧૪

મહુવા

૧૬.૩

 

(9:51 pm IST)