Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઝેડ પ્લસ સાથે રાખી હોત તો વિસંગતતા સર્જાઇ જ ના હોત

ઝેડ પ્લસ સુરક્ષાને છોડીને તોગડિયા કેમ ગયાઃ ક્રાઇમબ્રાંચની પ્રેસમાં તોગડિયાના ગુમ થવાના પ્રકરણમાં પરપોટો ફુટયો : હજુ ઘણી વિસંગતતા અને વિરોધાભાસ

અમદાવાદ,તા. ૧૬, વિશ્વિ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાના ગઇકાલે સવારથી ગુમ થયા બાદ મોડી રાત્રે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ થયાના સમગ્ર ઘટનાક્રમમાં આજે સાંજે શહેર ક્રાઇમબ્રાંચે પત્રકાર પરિષદ યોજી કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેમાં ડો.તોગડિયા અને તેમના સાથીઓની કેટલીક વાતોનો પરપોટો ફુટી ગયો હોય તેવુ ચિત્ર સામે આવ્યું હતું. સમગ્ર મામલામાં ઘણી વિસંગતતાઓ અને વિરોધાભાસી હકીકતો સામે આવી હતી. ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટે તોગડિયાના ક્રાઇમબ્રાંચની કામગીરી સામે ઉઠાવાયેલા સવાલોનું ખંડન કરતાં સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ક્રાઇમબ્રાંચ એ ભરોસાપાત્ર અને વિશ્વસનીય તપાસ એજન્સી છે. વાસ્તવમાં ડો.પ્રવીણ તોગડિયા ઝેડ પ્લસ સુરક્ષા હોવાછતાં તે છોડીને એકલા ન ગયા હોત તો, આ બધી વિસંગતતાઓ સર્જાઇ ના હોત. ઝેડ પ્લસ સુરક્ષા ડો.તોગડિયા પાસે હોવાછતાં તેઓ કેમ તેને છોડીને એકલા ગયા તે વાત ક્રાઇમબ્રાંચ માટે પણ આશ્ચર્યજનક છે. ડો.તોગડિયાની તબિયત સારી થયા બાદ તેમનું નિવેદન પણ લેવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે ૧૦-૪૫ વાગ્યાની આસપાસ રાજસ્થાન, સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુર પોલીસ સ્ટેશનના બે પોલીસના માણસો સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વિહિપના ડો.પ્રવીણી તોગડિયા વિરૂધ્ધ ગંગાપુર સીટી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કેસ નં.૧૦૭/૨૦૧૫ના કેસમાં ધરપકડ વોરંટ જારી કરાયું હોઇ તેમની ધરપકડ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી સોલા પોલીસના માણસોએ રાજસ્થાન પોલીસની મદદના ભાગરૂપે રાજસ્થાન પોલીસની સાથે ડો.તોગડિયાના ૩૪, ભાગવત બંગલોઝ, થલતેજ ફાયરસ્ટેશન પાસે ગયા હતા પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. તેથી રાજસ્થાન પોલીસ પરત આવી સોલા પોલીસ સ્ટેશનમાં ૧૧-૫૫ વાગ્યે એન્ટ્રી કરી હતી કે, ડો.તોગડિયા મળી આવ્યા નથી અને ત્યારબાદ તેઓ રાજસ્થાન પરત રવાના થયા હતા. દરમ્યાન ગઇકાલે રાત્રે એક વાગ્યે પાલડી સ્થિત વિહિપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને બીજા દિવસે બપોરે અઢી વાગ્યે પરત આવવાની સૂચના આપી પોતાની સાથેના કોન્વોયને છૂટા કર્યા હતા. તેમ જ ત્યાંની સ્થાનિક ગાર્ડના એસઆરપીના જવાન વિક્રમસિંહને જણાવેલ કે, હું મારા અંગત કામે બહાર જાઉ છું, આપ અહીં રોકાવ ત્યારબાદ ડો.તોગડિયા એક દાઢીવાળા શખ્સ સાથે કાર્યાલયની બહાર નીકળી ગયા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ શખ્સનું નામ ધીરૂભાઇ કપૂરિયા છે અને તે વિહિપના કાર્યકર છે. ત્યાંથી ડો.તોગડિયા અને ધીરૂભાઇ બંને જણાં તેમના સાથીમિત્ર ઘનશ્યામ ચરણદાસના ત્યાં થલતેજ ખાતેના સંગીની બંગલોઝ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એ વખતે રસ્તામાં તેઓએ તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ૧૧-૩૧ મિનિટે તેઓ ઘનશ્યામ ચરણદાસના બંગલે પહોંચી ગયા હતા, જે સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે. પ્રવીણભાઇને ત્યાં ઉતાર્યા બાદ ધીરૂભાઇ થોડો સમય રોકાઇ બપોરે બે વાગ્યે નહેરુનગર આવી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દે છે. એ પછી સાંજે ૭-૫૨ મનિટે ઘનશ્યામ ચરણદાસ પોતાના ડ્રાઇવર નિકુલ રબારીને બોલાવી પોતાની કાર મારફતે પ્રવીણભાઇને લઇને નીકળી સરદારનગર ખાતે ૮-૩૩ વાગ્ય પહોંચે છે. જયાં પ્રવીણભાઇની સાથે ઉતરી જઇ પોતાના ડ્રાઇવરના મોબાઇલથી ૧૦૮માં ફોન કરી એક અજાણ્યો માણસ બિમાર હોવાનું જણાવે છે. એ પછી ઘનશ્યામભાઇ પોતાના ડ્રાઇવરને ત્યાંથી ગાડી સાથે રવાના કરી પ્રવીણભાઇ સાથે ૧૦૮ની રાહ જોતા ઉભા હતા. ૧૦૮ના ટેકનીશીયનના જણાવ્યા પ્રમાણે, ફોન કરનાર ભાઇ પોતાનું નામ ઘનશ્યામ ચરણદાસ હોવાનું જણાવ્યું હતું અને બીમાર પ્રવીણભાઇને કોઇપણ જાતની સારવાર આપ્યા વિના સીધા ચંદ્રમણિ હોસ્પિટલ લઇ જવાનું જણાવ્યું હતું. ચંદ્રમણિ હોસ્પિટલમાં ડો.તોગડિયાને દાખલ કરી ઘનશ્યામ ત્યાંથી નીકળી જાય છે. ચોંકાવનારી વાત એ છે કે, તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, ચંદ્રમણિના ડોકટર અગ્રવાલનો પહેલેથી જ સાંજે છ વાગ્યાના સુમારે મોબાઇલથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘનશ્યામ ચરણદાસે તેમના નિવેદનમાં ડો.તોગડિયા તેમના ઘેર આવ્યા બાદ પ્રાતિયા, ગાંધીનગર અને એણાસણ, દસ્ક્રોઇ ખાતે ગયાનું જણાવ્યું હતું પરંતુ ટેકનીકલ સર્વેલન્સમાં તેમનું મોબાઇલ લોકેશન તેમના પોતાના ઘરમાં જ બતાવતું હતું. આમ, સમગ્ર પ્રકરણમાં ઘણીબધી વિસંગતતાઓ અને વિરોધાભાસી હકીકતો સામે આવી છે, જેની પર ક્રાઇમબ્રાંચ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ડો. તોગડિયાની તબિયતમાં સુધારો થયા બાદ તેમનં પણ નિવેદન નોંધવામાં આવશે.

(9:49 pm IST)