Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પેટ્રોલિયમ પેદાશોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું : રાજ્યપાલ

તેલ-ગેસ સંરક્ષણ ઝુંબેશ 'સક્ષમ'નો પ્રારંભ : અમદાવાદ સહિત ગુજરાતમાં એક મહિના સુધી સક્ષમની ઉજવણી : પીસીઆરએ-તેલ ઉદ્યોગની કંપની દ્વારા તૈયારી

અમદાવાદ,તા.૧૬ : પેટ્રોલિય કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન (પીસીઆરએ) અને તેલ ઉદ્યોગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિ., ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઇલ લિ.ના સંયુકત ઉપક્રમે તા.૧૬મી જાન્યુઆરીથી તા.૧૫મી ફેબ્રુઆરી સુધી એક મહિના સુધી તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ સંરક્ષણ ક્ષમતો મહોત્સવ- 'સક્ષમ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે આજે સક્ષમનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, દેશને વૈશ્વિક દ્રષ્ટિએ આર્થિક વિકાસના શિખરે સ્થાપિત કરવા પેટ્રોલિયમ પેદાશોનું સંરક્ષણ અને તેનો સમજણ તેમજ વિવેકપૂર્ણ રીતે વપરાશ કે ઉપયોગ અત્યંત અનિવાર્ય છે. રાજયપાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે સંખ્યાબંધ શાળાના બાળકોએ, તેલ ઉદ્યોગના અધિકારીઓ, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરો સહિતના તમામ લોકોને પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ, તેની જાળવણી અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. રાજયપાલ ઓ.પી.કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ અને તેના સમજણપૂર્વક તેમ જ ગંભીરતાપૂર્વક ઉપયોગ કરવાની પ્રતિજ્ઞાને આપણે સૌકોઇ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવીએ અને રાજયમાં જન જન સુધી તેનો ઉમદા સંદેશો ફેલાવી પરિણામલક્ષી કાર્ય કરી બતાવીએ તો જ આ સક્ષમ મહોત્સવની ઉજવણીનો હેતુ પરિપૂર્ણ થયો ગણાશે. ભારતની ગણના અત્યારે વિશ્વમાં આર્થિક વિકાસશીલ ઉન્નત રાષ્ટ્રોમાં થઇ રહી છે અને જો દેશને વિકસીત ઉન્નત રાષ્ટ્રની હરોળમાં સ્થાપિત કરવો હશે તો પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ અને તેના સમજણપૂર્વક ઉપયોગ અને વપરાશ કરવો જ પડશે એ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી કારણ કે, આપણી પાસે પેટ્રોલિયમ પેદાશોના બહુ ઓછા અને મર્યાદિત સંશાધનો છે. હવે એ સમય આવી ગયો છે કે, આપણે સૌકોઇએ પેટ્રોલિયમ પેદાશોની ગંભીરતા, તેની મહત્તા અને સંરક્ષણતા સમજવી જ પડશે. આપણી પાસે મર્યાદિત સંશાધનો ઉપલબ્ધ હોવાથી પેટ્રોલિયમ પેદાશોની આયાતમાં આપણી બહુ મોટી વિદેશી મુદ્રા ખર્ચ થઇ જાય છે પરંતુ જો આપણે પેટ્રોલિમય પેદાશોના સંરક્ષણ માટે ધીરે ધીરે અને નાની નાની બચત કરીશું તો, તે બહુ મોટી બનીને સામે આવશે અને તેનું પરિણામ આપણને સૌને જોવા મળશે. રાજયપાલે પેટ્રોલિયમ પેદાશોનું એકેએક ટીપુ બચાવવા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સુગમ અને સરળ બનાવવા, ટ્રાફિક જામની સ્થિતિ નિવારણ સહિતના કેટલાક વિકલ્પો પણ સૂચવ્યા હતા અને તેની પર અમલ કરવા અનુરોધ કર્યો હતો. દરમ્યાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટર સંજીવ કુમાર જૈને જણાવ્યું હતું કે, ભારત પાસે પેટ્રોલિયમ પેદાશોના મર્યાદિત સંશાધનો સામે ભાવિ પડકારો બહુ છે અને જો હજુ પણ આપણે તેલ-ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોની ગંભીરતા કે તેનું મૂલ્ય સમજીશું નહી તો, આવનારી પેઢીને તેના માઠા પરિણામો ભોગવવાની પરિસ્થિતનું નિર્માણ થાય. એકબાજુ, આપણા ત્યાં ક્રુડ ઓઇલનું પ્રોડકશન ઘટી રહ્યું છે અને સામે તેની માંગ વધી રહી છે ત્યારે આપણી સામે ઘણા મહત્વના પડકારો છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધી ક્રુડઓઇલની આયાત ૧૦ ટકા સુધી ઘટાડવાનો જે લક્ષ્યાંક આપ્યો છે, તેને પહોંચી વળવા માટે અને દેશના આર્થિક વિકાસ તેમ જ ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને પણ હવે તેલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોનું સંરક્ષણ અને તેને બહુ સમજદારી અને જાગૃતતાપૂર્વક જ ઉપયોગ કે વપરાશ કરવો પોષાય તેમ છે. સક્ષમના આ મહાભિયાનમાં ગુજરાતનો જન-જન જોડાઇ તેમાં લોકભાગીદારી થાય તે જ અમારો આશય છે. સક્ષમ મહોત્સવ અંતર્ગત શહેર સહિત રાજયભરમાં શાળા-કોલેજો, ઔદ્યોગિક એકમો સહિતના સ્થળોએ તેલ-ગેસના સંરક્ષણના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. આજના સક્ષમના ઉદ્ઘાટન દરમ્યાન પુરવઠાવિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંહ, ગેઇલ લિ.ના ઝોનલ ચીફ જનરલ મેનેજર રાજેન્દ્રકુમાર, પીસીઆરએ, ગુજરાતના એડિ.ડાયરેકટર રાહુલ કિશોર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:12 pm IST)