Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

એસટીની બસમાં ડ્રાઇવરો અને કન્ડકટરો ખાટલા શામાટે લઇ જાય છે?

છેલ્લા થોડા સમયથી ગુજરાત એસટીની બસો ગ્રામ્યવિસ્તારોમાં સળગાવી નાખવાની ઘટનાઓ વધતાં એસટીએ ડ્રાઇવરો અને કન્ડકટરોને ઓર્ડર કર્યો છે કે તેમણે બસ પાર્ક કરીને બહાર સૂવાને બદલે ફરજિયાત બસમાં જ સૂવાનું રહેશે. આ ઓર્ડર આવ્યા પછી હવે ગુજરાતભરની એસટીની બસના ડ્રાઇવરો અને કન્ડકટરો એવી મૂંઝવણમાં મુકાયા છે કે જેમણે નુકસાન જ કરવું છે અને તોફાનો જ કરવાં છે તેઓ ડ્રાઇવર અને કન્ડકટર સહિતની બસ પણ સળગાવી શકે છે તો એ લોકોની સુરક્ષાની જવાબદારી કોની રહેશે? આ બાબતમાં બધાએ રજૂઆત કરી છે, પણ આ બાબતનો જવાબ આવ્યો નથી અને એ જવાબ આવે એ પહેલાં જ સૌકોઇએ નિયમનો અમલ કરવાનો હોવાથી ડ્રાઇવરો અને કન્ડકટરો નાછૂટકે બસમાં સૂવા તૈયાર પણ થઇ ગયા છે. ડ્રાઇવર અને કન્ડકટરે બસમાં જ સૂવાનું અમલમાં મૂકી દીધું છે, પણ તેઓ સીટનો ઉપયોગ કરવાને બદલે બસની અંદર ખાટલા ચડાવે છે અને ખાટલાને સીટ સાથે બાંધીને સૂએ છે. પોતાની સાથે ખાટલો લઇને રવાના થનારા આ ડ્રાઇવરો અને કન્ડકટરો સવાર પડે એટલે પોતપોતાના ખાટલા બસની ઉપર ચડાવી દે છે અને રાત પડે એટલે એ ખાટલા નીચે ઉતારીને ફરીથી બસની અંદર ગોઠવીને, સીટ સાથે બાંધીને આરામ કરી લે છે.

(4:16 pm IST)