Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચકચારી કેસોમાં ભાજપના નેતાઓ વકીલ તરીકે રોકાયેલા તે બાબતે શિક્ષણ મંત્રી જવાબ આપે

શિક્ષણમાં ભાજપની બેવડી નીતિઃ ડો. મનીષ દોશીના ચાબખા

અમદાવાદ, તા. ૧૬ :. છેલ્લા ૨૨ વર્ષના ભાજપના શિક્ષણમાં બેફામ લૂંટફાટ, ડોનેશન, ટયુશન પ્રથા, મોંઘા ફીના ધોરણો - શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અંગે શિક્ષણમંત્રી અને ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે, ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના તમામ બાળકોને શિક્ષણનો અધિકાર મળે એ માટે કોંગ્રેસે પણ કટીબદ્ધ છે. રાજ્યમાં ભાજપ શાસકોની સંચાલકો સાથેની મિલીભગત અને 'ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું જાગતો રહેજે' તેવા કાગળ પરના ફી નિયમન કાયદા અંગે ભાજપની બેવડી નીતિ છે.

શ્રી કપિલ સિબ્બલ અને શ્રી અભિષેક મનુ સંઘવી સર્વોચ્ચ અદાલતના વ્યવસાયી ધારાશાસ્ત્રી છે.

જે રીતે રાજ્યના શિક્ષણમંત્રી કોંગ્રેસ પક્ષને સવાલ પૂછતા પહેલા દેશની અને રાજ્યની જનતાને જણાવેલ કે (૧) લાખો વિધવા બહેનો, નિવૃત નાગરીકોના લાખો રૂપિયા ચાંઉ કરીને માધુપુરા બેન્કને ડુબાડનાર કેતન પારેખની વકીલ અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી જેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ છે તે અંગે શિક્ષણમંત્રી અને ભાજપ જવાબ આપે.

(૨) આતંકવાદી, દેશ વિરોધી તત્વો, મોટા મોટા ગુન્હેગારના વકીલ તરીકે ભાજપના જે તે સમયના સાંસદ શ્રી રામ જેઠમલાણી અંગે શિક્ષણમંત્રી અને ભાજપ જવાબ આપે.

(૩) બળાત્કારના આરોપી આશારામના વકીલ તરીકે સાંસદ ભાજપના જે તે સમયના વરિષ્ઠ નેતા શ્રી રામ જેઠમલાણી અંગે શિક્ષણ મંત્રી અને ભાજપ જવાબ આપે.

(૪) ભાગેડુ વિજય માલ્યા, સુબ્રતોરોય સહિતના આર્થિક ગુન્હેગાર માટે ભાજપના કયા નેતાઓએ વકીલાત કરી તે અંગે શિક્ષણમંત્રી અને ભાજપ સરકાર જવાબ આપે.

ડોનેશન પ્રથા, બેરોકટોક ઉઘરાવતી ફી, ટયુશન પ્રથા અને શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર પર રોક લાગે તે માટે કોંગ્રેસ પક્ષ ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ સાથે છે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.

(3:59 pm IST)