Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કાલે અમદાવાદમાં મોદી-નેતન્યાહૂનો રોડ શોઃ સુરક્ષામાં ઇઝરાયલી 'સ્નાઇપર'

અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમના રોડ ઉપર ૫૦,૦૦૦ લોકોને ૨૦ ગેટમાંથી એન્ટ્રીઃ રોડ શો આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં ચેતક કમાન્ડો, QRT, SRP, પોલીસની કિલ્લેબંધીઃ સાબરમતી નદીમાં અને સાબરમતી આશ્રમના સામા છેડે બિલ્ડીંગો ઉપર 'સ્પેશિયલ સ્કવોડ'

અમદાવાદ તા. ૧૬ : અમદાવાદ શહેર ફરી એક વખત ઐતિહાસીક આંતરરાષ્ટ્રીય ઘટનાનું સાક્ષી બનશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો 'રોડ-શો' બુધવાર, તા. ૧૭ના રોજ યોજાશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી પરત એરપોર્ટ સુધી ૧૪ કિલોમીટરના રોડ-શોમાં સુરક્ષા માટે ઈઝરાયલી 'સ્નાઈપર' ગોઠવાશે. ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં કોઈ 'થ્રેટ' નથી પણ બન્ને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આતંકવાદીઓના 'ટાર્ગેટ' હોવાથી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. બન્ને નેતાઓ પહેલી વખત મોટો રોડ-શો યોજવાના છે જેમાં ૫૦,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાના છે. આ કારણે એરપોર્ટથી શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ, ડફનાળાથી રિવરફ્રન્ટ, સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધીના રૂટ આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં 'કિલ્લેબંધી' કરવામાં આવશે. ચેતક કમાન્ડો, QRT, SRP, પોલીસ અને BDDS (બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ)ની ૧૨ ટીમોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાબરમતી નદીમાં સ્પેશિયલ સ્કવોડ તહેનાત કરવામાં આવશે. જયારે, સાબરમતી આશ્રમના સામા છેડે પણ બિલ્ડીંગો ઉપર ખાસ ટૂકડીઓ તહેનાત કરવામાં આવશે..

મોદી અને નેતન્યાહૂના રોડ શોમાં બન્ને છેડે અમદાવાદના ૩૫,૦૦૦ ઉપરાંત બહારના ૧૫,૦૦૦ કુલ ૫૦,૦૦૦ લોકોને એન્ટ્રી આપવા માટે ૨૦ ગેટ બનાવવામાં આવશે. તમામ લોકોને ડોરફ્રેમ મેટલ ડીટેકટરમાંથી એન્ટ્રી આપવામાં આવશે. બન્ને મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લેશે તે દરમિયાન નદીમાં સ્પેશિયલ સ્કવોડ સ્પીડ બોટમાં પેટ્રોલિંગ કરશે. જયારે, આશ્રમ સામે રિવરફ્રન્ટના પૂર્વ છેડે 'સ્નાઈપર' સહિતની ખાસ ટીમો તહેનાત કરવામાં આવશે.

રોડ-શોના રૂટ ઉપર અનેક જગ્યાએ ઈઝરાયલ અને ચેતક કમાન્ડો ફોર્સના 'સ્નાઈપર' તહેનાત કરવામાં આવશે. બન્ને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની સુરક્ષા માટે ઈઝરાયલની સુરક્ષા ટુકડી સાથે અમદાવાદ શહેર પોલીસે સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.(૨૧.૧૮)

એરપોર્ટ જવા માટે કાલે સવારે ૭થી ૧૨ સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો

અમદાવાદ : બે આંતરરાષ્ટ્રીય મહાનુભાવો બુધવારે સવારે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને બપોરે ૧૨ વાગ્યે જશે. એરપોર્ટ અને ગાંધીનગર જવા માટે સવારે ૭થી બપોરે ૧૨ વાગ્યા સુધી લોકોએ રિવરફ્રન્ટના બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસે અપીલ કરી છે. પોલીસે જાહેર કર્યું છે કે, (૧) રિવરફ્રન્ટના પૂર્વ રોડનો ઉપયોગ ન કરતાં એસ.જી. હાઈવે, ૧૩૨ ફૂટ રોડ, એસ.પી. રીંગ રોડ કે નારોલ-નરોડા રોડનો ઉપયોગ કરવો. (૨) કોટ વિસ્તારમાંથી એરપોર્ટ જવા મેમ્કો ચાર રસ્તા, ગેલેકસી અંડરબ્રિજથી નોબલનગર ટી થઈ ઈન્દિરા બ્રિજ સર્કલથી તેમજ પશ્યિમ વિસ્તારમાંથી એપોલો સર્કલ, ઈન્દિરા બ્રિજથી જવું.

(10:47 am IST)