Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સફાઈના મામલે કડક વલણ અપનાવવા કરાયેલ શરૂઆત

અમદાવાદ શહેરના મુખ્ય ખાણીપીણી બજારો પરઃ દસ દિવસ બાદ ખુબ આકરી પેનલ્ટી વસુલ કરવા સહિત ખાણીપીણી બજાર બંધ પણ કરાવાઈ શકાય છે : અહેવાલ

અમદાવાદ, તા.૧૫, દેશના સ્વચ્છ શહેરોની યાદીમા અમદાવાદ શહેરનો ૧૪ મો ક્રમ જાહેર કરવામા આવતાની સાથે જ અમદાવાદ શહેરને ૧૪ મા ક્રમથી ઉપરના ક્રમ ઉપર લાવવા માટે ખુદ શહેરના મ્યુનિસિપલ કમિશનર પણ ગંભીરતાથી સક્રીય થઈ ગયા છે એટલુ જ નહીં પરંતુ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા ચાલતા એવા ૧૨ જેટલા મુખ્ય ખાણી-પીણી બજારોમા સફાઈના મામલે કડક કાર્યવાહીના આદેશ આપવામા આવતા આગામી ૧૦ દિવસમા શહેરમા ધમધમતા રાત્રી ખાણીપીણી બજારોમા જો ગંદકી માલૂમ પડશે તો આકરી પેનલ્ટી વસૂલવાથી લઈને બજારો બંધ કરાવવા સુધીની કાર્યવાહી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ શકે છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમા રાત્રી ખાણીપીણી બજારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આ બજારોમા રાત્રીના ૧ના સુમારે બજારો બંધ થતાની સાથે બજારના એકમોના સંચાલકો પોતાનો એંઠવાડ રસ્તા ઉપર ફેંકી દઈને જતા રહે છે આ ઉપરાંત શ્રીમંત ઘરના અનેક નબીરાઓ રસ્તાની વચ્ચે ગાડી ઉભી રાખી ચીજો ખાઈ લીધા બાદ એંઠવાડ રસ્તા ઉપર નાંખીને ચાલ્યા જતા હોવાના કારણે આ વિસ્તારોમા રહેતા સ્થાનિક રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.આ બાબત મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના ધ્યાન ઉપર આવતાની સાથે જ તેમણે શહેરના મધ્યઝોનમા આવેલા માણેકચોકના ખાણીપીણી બજાર ઉપરાંત શાહીબાગ ખાણીપીણી બજાર,આસ્ટોડિયા,રાયપુરના ખાણીપીણી બજાર સહિતના શહેરના ૧૨ જેટલા ખાણીપીણી બજારને તંત્રની સ્વચ્છતા ઝુંબેશ હેઠળ આવરી લેવામા આવ્યા છે.હાલની પરિસ્થિતિ મુજબ,ગંદકી કરતા એકમો અને લોકોની સાથે તંત્ર સમજાવટથી કામ લઈ રહ્યુ છે પરંતુ દસ દિવસ બાદ તંત્ર આ એકમો સામે ગંદકીને લઈને આકરી પેનલ્ટી વસુલવાથી લઈને આ પ્રકારની ગંદકી કરનારા બજારોને બંધ કરવા સુધીના પગલા પણ લઈ શકે એમ હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમા આવેલા લો-ગાર્ડન ખાણીપીણી બજાર,પાલડી પાસેના બજાર ઉપરાંત આઈઆઈએમ સહિતના ખાણીપીણી બજારો ઉપર આવનારા દિવસોમા સફાઈના મામલે વધુ કડક કાર્યવાહી કરવાના નિર્દેશો મ્યુનિસિપલ તંત્ર દ્વારા આપવામા આવ્યા છે.

(9:26 pm IST)