Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભાજપના અહંકારીઓની હાર થશે : હાર્દિક પટેલે કરેલો દાવો

હાર્દિકે અંબાજીમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા : ઇવીએમમાં મતદાન કર્યા પછી પ્રજાના મનમાં કોઇ શંકા ઉઠે તો લોકશાહીની કરૂણતા છે : હાર્દિક પટેલની પ્રતિક્રિયા

અમદાવાદ, તા.૧૫ : પાસના યુવા નેતા હાર્દિક પટેલે આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. હાર્દિક પટેલે એકઝીટ પોલના ભાજપને વિજયી બતાવતાં તારણોને ફગાવતાં જણાવ્યું હતું કે, એકઝીટ પોલના તારણોમાં કોઇ વાસ્તવિકતા નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ વખતે ભાજપના અહંકારીઓ અને ઘમંડીઓ હારવાના છે. ગુજરાતમાં આ વખતે ખેડૂતો, યુવાનો અને સારા લોકોની સરકાર આવવાની છે. પાસના નેતા હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એકઝીટ પોલ કે બીજી કોઇ વાતને લઇને ચિંતા કરવાની જરૂર નથી, ભાજપના અહંકારીઓ અને ઘમંડીઓ હારવાના છે આ વખતે તે નક્કી છે. ઇવીએમમાં ગડબડીની આશંકા અંગેના એક પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મતદાન કર્યા પછી ઇવીએમમાં ગડબડી થવાની ચિંતા થાય તે લોકશાહીની કરૂણતા અને બહુ દુઃખની વાત છે. ઇવીએમમાં મતદાન કર્યા પછી પણ જો પ્રજાના મનમાં કોઇ શંકા ઉઠે તો તંત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થાય છે અને લોકશાહીની તે કરૂણતા કહેવાય. પાસના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, એકઝીટ પોલના તારણોમાં કોઇ તથ્ય નથી. જો સાચી રીતે ચૂંટણી થઇ હશે તો, આ વખતે ભાજપ હારશે અને ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને સારા લોકોની સરકાર બનશે. હાર્દિક પટેલે આજે અંબાજી માતાના દર્શન કરી માતાજીની પૂજાઅર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા, મંદિરના પૂજારી દ્વારા પણ હાર્દિકને માથે તિલક લગાવી ચુંદડી પહેરાવી આશિષ આપવામાં આવ્યા હતા.

(8:19 pm IST)