Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વિમા છત્ર હેઠળની ગાયોના મૃત્યુ કેસમાં ખેડૂતને વળતર

ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચનો હુકમ : ફરિયાદ દાખલ કર્યાથી બંને ગાય પેટે ૮૦ હજારનું વળતર ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને ફરમાન

અમદાવાદ, તા.૧૫ : વીમાથી સુરક્ષિત ગાયોના મૃત્યુના કેસમાં ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ(સ્ટેટ કમીશન)એ ફરિયાદી ખેડૂતને વળતર અપાવતો મહત્વનો આદેશ જારી કર્યો છે. સ્ટેટ કમીશનના જયુડીશીયલ મેમ્બર પી.ઓ.લાડ અને સભ્ય ડો.જે.જી.મેકવાને અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના અરજદાર ખેડૂતને ફરિયાદ દાખલ કર્યા તારીખથી બંને ગાય પેટે રૂ.૮૦ હજારનું વળતર નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવી આપવા પ્રતિવાદી વીમાકંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું છે. સ્ટેટ કમીશને અરજદાર ખેડૂતને અપીલના ખર્ચના રૂ.૧૦ હજારથી અલગથી ચૂકવી આપવા પણ વીમાકંપનીને હુકમ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય) સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા સ્ટેટ કમીશનના કરાયેલી અપીલમાં આ મહત્વનો હુકમ કરાયો હતો. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ફરિયાદી ખેડૂત વિનોદભાઇ પટેલ તરફથી કરાયેલી અલગ-અલગ અપીલોમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદી ખેડૂત દ્વારા પશુપાલનના વ્યવસાયના ભાગરૂપે રૂ.૩,૨૦,૦૦૦માં પાંચ ગાયો ખરીદી હતી અને બેંકમાંથી લોનની વ્યવસ્થા કરી હતી. કુહા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના દૂધ બીલમાંથી કપાત કરીને લોન ચૂકતે કરવાની હતી અને વીમા કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ વીમા કંપનીને રૂ.૪,૪૯૯ લેખે દરેક ગાયનું પ્રીમીયમ ભરવાનું આવતું હતું. જે પેટે ફરિયાદીએ કુલ રૂ.૨૨,૨૫૦ જેટલું પ્રીમીયમ પણ ચૂકવાયું હતું. દરમ્યાન વીમાથી સુરક્ષિત ગાયોનું બિમારીના કારણે મૃત્યુ થયું હતુ તે દરમ્યાન પોલિસી પણ ચાલુ હતી. પશુઓના અધિકૃત ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી વીમાકંપનીની નક્કી કરાઇ હોવાછતાં વીમાકંપનીએ તેની ફરજમાં ચૂક દાખવી હતી અને છેલ્લે આ જ ગ્રાઉન્ડ પર વીમાકંપનીએ ગાયોના મૃત્યુના દાવાની રકમ આપવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, બંને ગાયના સર્વેયર રિપોર્ટમાં પોલિસીનો પીરીયડ, ગાયોના ટેગ નંબર, ગાયોનું વર્ણન, ગાયોના મૃત્યુનુ કારણ અને મૃત્યુની તારીખ સહિતની વિગતો સ્પષ્ટ દર્શાવેલી છે. આ સંજોગોમાં વીમાકંપનીએ કેટલ ઇન્શ્યોરન્સ પોલિસીના દાવાની રકમ આપવાનો ઇનકાર કરવાનો નિર્ણય અને આ અંગે અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ખેડૂતની અરજી નકારતો હુકમ ગેરકાયદે, અયોગ્ય અને અન્યાયી છે અને તેથી સ્ટેટ કમીશને ફરિયાદી ખેડૂતને સાચા અર્થમાં ન્યાય અપાવવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી સ્ટેટ કમીશને ઉપરમુજબ હુકમ કર્યો હતો.

(8:18 pm IST)