Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પુરૂષ તરીકે જન્મ્યા હતા પરંતુ ઓપરેશન કરી મહિલા તરીકે આપ્યો વોટ

જન્મે પુરૂષ હતી પરંતુ હવે સ્ત્રી બનીને આપ્યો વોટઃ કરાવ્યું હતું જેન્ડર ચેન્જનું ઓપરેશન

નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે તો મહત્વની હતી જ તેમ કેટલાક મતદારો માટે પણ આ વખતની ચૂંટણી ખાસ મહત્વ ધરાવતી હતી. જેમ કે વડોદરામાં રહેતી ૩૧ વર્ષીય માનવી વૈષ્ણવના જીવનમાં ૧૪ ડિસેમ્બરનો દિવસ ઘણો મહત્વનો હતો, કારણકે આ દિવસે તેણે પહેલીવાર પુરુષમાંથી મહિલા બન્યા બાદ મતદાન કર્યું છે. યોગેશ વૈષ્ણવ તરીકે જન્મનાર માનવી સર્જરી કરાવીને પુરૂષમાંથી મહિલા બની ગઈ અને હવે તે જ ઓળખ સાથે રહે છે. નાનપણથી જ જેન્ડર ક્રાઇસિસનો સામનો કરી રહેલો યોગેશ ઘરેથી ભાગી ગયો હતો અને પાછળથી LGBT માટે કામ કરતા લક્ષ્ય નામના ટ્રસ્ટ સાથે જોડાઈને તેણે ૨૦૧૬માં સર્જરી કરાવી હતી.

વોટ આપ્યા બાદ તેણે કહ્યું કે, 'આજે મતદાન કરીને મને લાગ્યું કે મારા જેવી વ્યકિત જેણે જેન્ડર ચેન્જનું ઓપરેશન કરાવ્યું છે તેને વધુ એકવાર સમ્માનભેર જીવવાની નવી ઓળખ મળી છે. મને આશા છે કે આવનારી નવી સરકાર મારા જેવા લોકો માટે કામ કરશે.' પોતાના સેકસ ચેન્જ ઓપરેશન બાદ તેણે નવા ઈલેકશન કાર્ડ માટે અપ્લાય કર્યું હતું અને હવે માનવી તરીકે મહિલા વોટર બનીને મતદાન આપ્યું છે.

આવો જ કિસ્સો આકૃતિ પટેલ(૨૭)નો પણ છે. થાસરામાં રહેતી અને જન્મે યોગેશ પટેલ આકૃતિએ સેકસ ચેન્જ ઓપરેશન કરાવી મહિલા તરીકે વોટ આપ્યો હતો. આકૃતિ કહે છે કે, મને હંમેશાથી લાગતુ હતું કે હું એક પુરુષના શરીરમાં ફસાયેલી સ્ત્રી છુ. મેં ૨૦૧૫માં સર્જરી કરાવી લીધી હતી. મારી ઈચ્છા છે કે નવી સરકાર મારા જેવા લોકોને થતી પરેશાનીને સમજશે અને મેડિકલ સુવિધાઓ પુરી પાડશે. અમારા જેવા લોકોને પોતાની લડાઈ એકલા જ લડવી પડે છે.

(4:51 pm IST)