Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગુજરાતના રાજકારણમાં હવે નવો યુગઃ રૂપાણી-વાઘાણી

તમામ એકઝીટ પોલનો સર્વે કહે છે ભાજપની સરકાર બનશેઃ લોકોએ વિકાસની રાજનીતિને સ્વીકાર વર્ગ-વિગ્રહ, જાતિવાદ, વંશવાદને જાકારો આપ્યોઃ પત્રકાર પરિષદ સંબોધી જનતા જનાર્દનનો આભાર વ્યકત કરતા વિજયભાઇ, જીતુભાઇ, અમિતભાઇ અને ભુપેન્દ્રજી યાદવ

ગાંધીનગર તા.૧પ : બીજા તબક્કાનું મતદાન પુર્ણ થયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાજપા મીડીયા સેન્ટર ખાતે સંયુકત પત્રકાર પરિષદ સંબોધી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના મતદાનનો બીજો તબક્કો પુર્ણ થયેલ છે. ગુજરાતની જનતાએ ખુબજ ઉત્સાહભેર ભારે સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. તે બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. બધા જ એકઝીટ પોલના સર્વેમાં ભાજપાની સરકાર સ્પષ્ટપણે બની રહી છે તેવા સર્વે આવી રહ્યા છે.

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતે આજે ફરી એકવાર વિકાસની રાજનીતિને સ્વીકારીને વર્ગ-વિગ્રહ, જાતિવાદ, વંશવાદને જાકારો આપ્યો છે. ગુજરાતની પ્રજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની નીતિઓને સમર્થન આપ્યુ છે. કોંગ્રેસ આ ચૂંટણીઓ હારી ચુકી છે માટે 'પાણી પહેલા પાળ બાંધવા' સ્વરૂપે કયારેક ભાજપા પર આક્ષેપો કરે છે તો કયારેક ચૂંટણી કમિશન પર આક્ષેપો કરે છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, જેમ પાણીમાં પરપોટો ફુટે તેમ આજે કોંગ્રેસનો ફુગ્ગો રાજયની જનતાએ ફોડી નાખ્યો છે. ગુજરાતની શાણી, સમજુ પ્રજાએ શાંતિપુર્ણ રીતે અને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીમાં સંપુર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો છે. રાજકારણમાં આ એક નવા યુગની શરૂઆત થવાની છે. આ ચૂંટણીઓ સુવર્ણ અક્ષરે લખવાની છે. જનતાએ જુઠ્ઠાણાઓ, વેરઝેર, વંશવાદ, જાતિવાદથી પર રહીને અપનાવ્યો છે અને લોક સમર્થન આપ્યુ છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો પ્રજાએ આદર-સત્કાર કર્યો અને જે પ્રેમ વડાપ્રધાનશ્રી પર વરસાવ્યો તે બદલ ગુજરાતની પ્રજાના જીતુભાઇ વાઘાણીએ આભાર પ્રગટ કરી જણાવેલ કે આજે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચુકી છે અને સમગ્ર દેશમાં ૧૮ રાજયોમાં ભાજપા અથવા તો ભાજપા સમર્થિત સરકાર છે. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહનું સતત માર્ગદર્શન અમને મળતુ રહ્યુ છે અને એમની વ્યુહરચનાના કારણે ભાજપા ફરીથી ગુજરાતની સેવા કરવા આગળ વધી રહી છે.

પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવે સતત માર્ગદર્શન પુરૂ પાડયુ તે બદલ તેમનો પણ ખુબ આભાર વ્યકત કરેલ. ભાજપાના પ્રદેશ હોદેદારશ્રીઓ, જીલ્લા-મહાનગરના હોદેદારશ્રીઓ મંડળ-શકિત કેન્દ્રોના ઇન્ચાર્જશ્રીઓ, બુથ તેમજ પેજ પ્રમુખોનો આભાર શ્રી જીતુભાઇ વાઘાણીએ માન્યો હતો.દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે તબક્કામાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોના મતદાનમાં પુનઃ એકવાર ભાજપાની વિકાસલક્ષી રાજનીતિને સમર્થન આપ્યુ છે. ગુજરાતની જનતા વિકાસ અને રાષ્ટ્રવાદને સમર્થન આપનારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના 'સૌનો સાથ સૌનો વિકાસ' મંત્રને ર૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ સમગ્ર દેશમાં સમર્થન મળ્યુ છે. આ સમર્થન અને વિજયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપાની સરકાર બનશે. ગુજરાતમાં જનતા જનાર્દનના આશીર્વાદથી સતત લગલગાટ છઠ્ઠીવાર ભાજપાની સરકાર બનવાનો આશાવાદ વ્યકત કરીને વિકાસના બે બેન્જીન ભાજપાની કેન્દ્ર સરકાર અને ભાજપાની રાજય સરકારના સંયોગથી ગુજરાતની વિકાસની ગતિ તેજ થવાનો સંકલ્પ સાકાર થશે તેવો નિર્ધાર શ્રી અમિતભાઇ શાહે વ્યકત કર્યો છે.

ભારતય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે મીડીયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોતે અને કોંગ્રેસના પ્રવકતા શ્રી રણદીપ સુરજેવાલાએ ચૂંટણી કમીશન પર જે આરોપો લગાવ્યા છે તે ઘટના દુર્ભાગ્યપુર્ણ છે. અમારી પાર્ટી આવા બેબુનિયાદ આરોપોને લોકશાહી માટે ઘાતક માને છે.

શ્રી યાદવે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે બીજા તબક્કાની ચૂંટણીઓમાં ભારે ભાજપા તરફી મતદાનના કારણે કોંગ્રેસને લાગી રહ્યુ છે કે, તેમની દાળ અહી ગુજરાતમાં ગળવાની નથી, માટે તે ચૂંટણી કમીશન પર ખોટા નિરર્થક આક્ષેપો લગાડી રહ્યા છે.

(3:45 pm IST)