Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જનઆશીર્વાદ કોંગ્રેસને મળ્‍યા, પરિણામમાં પાલિકા-પંચાયતોવાળી થશેઃ અર્જુનભાઈ

અમદાવાદ, તા. ૧૫ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પત્રકારો સાથે વાતચીત કરતા બીજા તબક્કાના જંગી મતદાન બાદ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્‍યું હતુ કે, ગુજરાતના લોકોએ ૨૨ વર્ષમાં ભાજપના કુશાસનનો હિસાબ કર્યો છે. બે મહિનામાં ભાજપના આગેવાનો ગુજરાતમાં વિકાસ શબ્‍દને ભૂલીને અન્‍ય મુદ્દાઓ પર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ નિરાશામાં છેવટે સી પ્‍લેન ઉડાડયું પરંતુ કોંગ્રેસે ૨૨ વર્ષમાં ગુજરાતના લોકોના ઝુંટવાયેલા હક્ક અને અધિકારના મુદ્દાઓ સાથે લોકોનો અવાજ રજૂ કર્યો છે. જુમલાબાજીનો ગુજરાતના લોકોએ મતદાનના દિવસે લાંબી લાઈનો લગાવીને બદલો લીધો છે. લોકશાહીના ઉત્‍સવમાં ભાજપ વિરૂદ્ધ ભારે મતદાન કરી લોકોએ કોંગ્રેસને જનઆશીર્વાદ આપ્‍યા છે. ચૂંટણીમાં આ વખતે ભાજપે પ્રજાના અવાજને દબાવવાની સાથે સાથે પ્રચાર માધ્‍યમોને નોટીસો ફટકારી લોકશાહીના ચોથા સ્‍તંભને પણ દબાવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ તંત્રનો દુરૂપયોગ પણ કરાયો છે પરંતુ જનતાએ નિય મુજબ કોંગ્રેસ તરફી મતદાન કર્યુ છે.

૨૦૧૫માં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં જે રીતે ભાજપને સાફ કરી હતી. નોટબંધી અને જીએસટી ત્રસ્‍ત લોકોએ વધારે ઉત્‍સાહ સાથે ભાજપને જાકારો આપી કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કર્યુ છે.

કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રાહુલ ગાંધી ત્રણ ત્રણ મહિના ગુજરાતમાં રહી લોકસંપર્ક દ્વારા ગુજરાતના લોકોના દિલમાં સ્‍થાન મેળવ્‍યું છે. તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ તેમજ જુસ્‍સો વધાર્યો છે. જે બદલ શ્રી રાહુલ ગાંધીનો આભાર માન્‍યો હતો સાથે સાથે કોંગ્રેસને આવકાર આપવા બદલ ગુજરાતની સમગ્ર જનતાનો આભાર વ્‍યકત કરતા તા. ૧૮મીના રોજ ચૂંટણી પરિણામો કોંગ્રેસ તરફી આવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

(5:15 pm IST)