Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

લગ્નની સીઝનમાં હોટેલોના ભાડા આસમાને પહોંચ્‍યા

ઇવેન્‍ટ્‍સનો માહોલઃ બમણુ ભાડુઃ ચૂંટણીએ વધારી ડિમાન્‍ડઃ ટૂરિસ્‍ટની સીઝન

અમદાવાદ તા. ૧૫ : ડિસેમ્‍બરમાં શહેરમાં ઈવેન્‍ટ્‍સનો માહોલ જોવા મળે છે. કોર્પોરેટ ઈવેન્‍ટ્‍સથી લઈને લગ્ન પ્રસંગો સુધી, શામેલ થવા માટે NRIs શહેરમાં મોટા પ્રમાણમાં આવતા હોય છે. અને આ કારણે આ સમયગાળામાં હોટેલમાં રૂમ્‍સની ડિમાન્‍ડ વધી જાય છે. ઉપરથી વિધાનસભાની ચૂંટણીને કારણે શહેરમાં VVIP લોકોની અવરજવર વધી ગઈ હોવાને કારણે ડિમાન્‍ડમાં ઘણો વધારો થયો હતો અને સાથે સાથે હોટેલના ભાડામાં પણ વધારો જોવા મળ્‍યો છે.

હોટેલ માલિકો, ઈવેન્‍ટ મેનેજર્સ અને ટ્રાવેલ એજટ્‍સના અનુમાન અનુસાર, હોટેલના ટેરિફમાં ૩૦% સુધીનો વધારો થયો છે અને અમુક કેસમાં તો ડબલ પણ થઈ ગયા છે. અમદાવાદના પ્રોફેશનલ મહેશ શેઠ જણાવે છે કે, મારા ફ્રેન્‍ડના આ વીકેન્‍ડ પર લગ્ન છે અને હું તેમના માટે રુમ બુક કરાવવા માંગતો હતો. હું મારા બિઝનેસ ક્‍લાયન્‍ટ્‍સ માટે બુકિંગ કરાવતો હોવુ છુ માટે મને ખબર છે કે રેટ્‍સ સામાન્‍યપણે કેટલા હોય છે. પરંતુ અત્‍યારે ભાવ એટલા વધી ગયા છે કે સામાન્‍યપણે જે હોટેલમાં ૬૦૦૦ ભાડુ હોય છે તે વધીને ૧૫૦૦૦ સુધી થઈ ગયું છે.

ક્રાઉન પ્‍લાઝા અમદાવાદના જનરલ મેનેજર સંજય કૌશિક જણાવે છે કે, આ બિઝનેસ ઈવેન્‍ટ્‍સની સીઝન છે. આ સિવાય ચૂંટણીને કારણે નેતાઓની અને અન્‍ય અધિકારીઓની અવરજવર વધી ગઈ હોવાને કારણે ડિમાન્‍ડ વધી ગઈ છે અને તે કારણે કિંમત પણ વધી છે.

રેડિસન બ્‍લૂ, અમદાવાદના સેલ્‍સ એન્‍ડ માર્કેટિંગ ડિરેક્‍ટર રજનીકાંત પટેલ જણાવે છે કે, આ સીઝનમાં વિદેશી ટૂરિસ્‍ટ્‍સની સંખ્‍યામાં પણ ઘણો વધારો થાય છે. મોટાભાગના ટૂરિસ્‍ટ અહીં આવે છે અને પછી રણોત્‍સવ અને અન્‍ય કાર્યક્રમોમાં ભાગ લેવા જાય છે.

 

(10:48 am IST)