Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ જગ્યાએથી રૂપિયા મળશે

કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરશે : સરકાર એરિયર આપવાના પક્ષમાં નથી, ત્રીજું પીએફ ઉપર વ્યાજ દિવાળી પહેલા ખાતામાં જમા થઈ શકે છે

ગાંધીનગર,તા.૧૫ : કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વર્ષે દિવાળી ખુબ જ ખાસ થવાની છે. આ વર્ષે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને ત્રણ ભેંટ મળનારી છે. પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એકવાર ફરીથી વધી શકે છે. ડીએ એરિયર પર સરકાર સાથે ચાલી રહેલી વાતચીતમાં કોઈ પરિણામ આવી શકે છે. જોકે, સરકાર એરિયર આપવાના પક્ષમાં નથી. ત્રીજું પીએફ ઉપર વ્યાજ દિવાળી પહેલા ખાતામાં જમા થઈ શકે છે. જુલાઈ ૨૦૨૧નું મોંઘવારી ભથ્થું હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે ૨૦૨૧ના એઆઈસીપીઆઈ આંકડાથી જાણવા મળ્યું છે કે ત્રણ ટકા સુધી વધારો થઈ શકે છે. આ પ્રકારે ત્રણ ટકા ફરીથી વધવા બાદ મોંઘવારી ભથ્થું ૩૧ ટકા ઉપર પહોંચી જશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર દશેરા અથવા દિવાળીની આસપાસ ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારી આશા રાખી રહ્યા છે કે તેમણે દિવાળી પહેલા ૧૮ મહિનાથી રોકેલા મોંઘવારી ભથ્થું મળી જશે.

         હવે ૧૮ મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ મોદી આનો ઉકેલ વહેલી તકે લાવશે. તેમને દિવાળી સુધી ૧૮ મહિનાનું રોકાયેલું મોંઘવારી ભથ્થું મળી શકે છે. નાણામંત્રાલયે કોવિડ-૧૯ મહામારીના કારણે  મે ૨૦૨૦માં ડીએ વધારાને ૩૦ જૂન ૨૦૨૧થી રોકી દીધું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના છ કરોડથી વધારે એકાઉન્ટ હોલ્ડર્સને ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. દિવાળી પહેલા ઈપીએફઓ એકાઉન્ટ હોલ્ડર્સને બંપર ભેટ મળી શકે છે. પીએમ ખાતા ધારકોના બેક્ન ખાતામાં જલદી વ્યાજના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે. ઈપીએફઓ જલદી પોતાના ૬ કરોડથી વધારે ગ્રાહકોના ખાતામાં ૨૦૨૦-૨૧ માટે વ્યાજ ટ્રાન્સફર કરીને ઘોષણા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી ચાર નવેમ્બરે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓ પોતાની કંપનીઓ અને કામની સંસ્થાઓ ઉપર દિવાળી બોનસ અને અન્ય ભથ્થાની મીટ માંડીને બેઠા હોય છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓની આ વખતની દિવાળી વધારે ખાસ બની શકે છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ખાસ ગિફ્ટ આપી શકે છે.

(8:46 pm IST)