Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગુજરાતમાં સર્વ સમાજોને સાથે રાખી સર્વવ્યાપી, સર્વ સમાવેશક વિકાસ કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાનના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિઝન થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધીએ: મુખ્યમંત્રી: સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' તથા ૨૯ સામાજિક સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ :૨૦૨૨માં સુરત ખાતે યોજાનાર 'સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો: દક્ષિણ ગુજરાતના ૨૯ વિવિધ સામાજિક સંગઠનો એ નવ નિયુક્ત મુખ્યમંત્રી અને મંત્રીઓનું સન્માન કર્યું ફોટો

સુરત :ગુજરાતમાં સર્વ સમાજોને સાથે રાખી સર્વવ્યાપી, સર્વસમાવેશક વિકાસ કરવાની નેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ'  દ્વારા સુરતમાં આયોજિત અભિવાદન સમારોહના અધ્યક્ષસ્થાનેથી વ્યકત કરી હતી

. સુરત અને દક્ષિણ ગુજરાતના ૨૯ જેટલા  વિવિધ સામાજિક સંગઠનો દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓનું સન્માન કરાયું હતું.
  મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  'સૌના સાથ, અને સૌના વિકાસ'ના મંત્ર સાથે રાજ્યનું મંત્રીમંડળ લોકો વચ્ચે રહીને લોકપ્રશ્નોનું નિરાકરણ લાવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિઝન થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
  પાટીદાર સમાજ સૌને સાથે રાખીને ચાલનારો સમાજ છે તેમ જણાવીને ખોટા રીતિ-રિવાજોને તિલાંજલિ આપીને દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણમાં કટિબદ્ધ બનવાની નેમ મુખ્યમંત્રીએ  વ્યકત કરતા  જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સર્વ સમાજનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે દશેરાના પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી.  
  આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય તે માટે ગ્લોબલ સમિટમાં વધારેમાં વધારે લોકો જોડાય તેમજ પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ આ સમિટમાં ભાગ લઈને રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસો કરવા એ સમયની માંગ છે.
  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૩૦ લાખ ટન ખેતીની પરાલીને સળગાવી દેવામાં આવે છે, જેને ખાણ  ઉદ્યોગક્ષેત્રે માટે ઉપયોગમાં લેવામાં આવે તો રિસાયકલીંગ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી શકે તેમ છે. સરકારની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લઈને એન્ટરપ્રિન્યોર તેમજ ઉદ્યોગકારોને નવી તકો મળી શકશે.
  આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, 'પાટીદાર ગ્લોબલ સમિટમાં અનેક ઉદ્યોગકારો ભાગ લેશે, જેના થકી ઉદ્યોગક્ષેત્રે પણ વિકાસ થશે. વડાપ્રધાનનું વિઝન છે કે, જો દરેક દેશવાસી એક ડગલું આગળ વધે તો સમગ્ર દેશ ૧૩૦ કરોડ ડગલા આગળ વધશે.
  માંડવીયાએ વધુમાં જણાવ્યું કે, ગ્લોબલ સમિટ દ્વારા વિવિધ ઉદ્યોગકારોની આવડત  તેમની સૂઝ-બુઝ  તેમજ નવા વિચારોનું આદાનપ્રદાન થશે. કૃષિ અને સહકાર એ પાટીદાર સમાજના સ્વભાવમાં વણાયેલા છે. વ્યવસાયમાં વૃધ્ધિ, વેપાર- ઉદ્યોગનું પરસ્પર જોડાણ અને આર્થિક તથા સામાજિક ઉત્થાન દ્વારા દેશને વિકાસમાર્ગે વધુ તેજ ગતિથી અગ્રેસર કરી શકાશે એમ મંત્રશ્રીએ કહ્યું હતું. ગ્લોબલ સમિટ ઈન્ટરનેશનલ સમીટ બની છે, જે સામૂહિક પ્રયાસરૂપે આગળ વધે તો એનો લાભ અન્ય સમાજને પણ મળતો રહે તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
   આ પ્રસંગે સાંસદ અને પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે સમૂહલગ્ન સમારોહ, બેટી બચાવો પેઢી પઢાઓ જેવી અનેક સમાજઉપયોગી પ્રવૃત્તિઓની શરુઆત કરીને અન્ય સમાજોને પણ પ્રેરણા આપી છે ત્યારે આવનારા સમયમાં દીકરીઓની ધટતી જતી સંખ્યા બાબતે પણ ચિંતા વ્યકત કરી હતી.
  આ વેળાએ પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સરદારધામના નટુભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્દબોધન તેમજ સ્વાગત પ્રવચન  સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ કર્યા હતાં, જ્યારે આભારવિધી વેલજીભાઈ શેટાએ આટોપી હતી.
  અભિવાદન  સમારોહની સાથોસાથ સુરત ખાતે આગામી તા.૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૨ દરમિયાન સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨' પ્રમોશનલ પ્રોગ્રામ-૨નો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં આ સમિટની એક્ઝિબિશન અંગેની ડોક્યુમેન્ટરી રજૂ કરાઇ હતી.
  આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ,  શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, મંત્રી અરવિદ રૈયાણીનું સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અભિવાદન કરાયું હતું

(8:31 pm IST)