Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બળેલાં હાડકાંના ડીએનએ ચકાસવા યુએસથી કિટ મગાવાઈ

કરજણના સ્વીટી પટેલ મર્ડર કેસ : અજય દેસાઈએ સ્વીટીની લાશ એવી રીતે બાળી હતી કે તેના હાડકાંના અવશેષોનો હજુ ડીએનએ ટેસ્ટ નથી થઈ શક્યો

વડોદરા,તા.૧૫ : ગુજરાતભરમાં ચકચાર મચાવનારા કરજણના સ્વીટી પટેલ મર્ડર કેસમાં આરોપી અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા એકત્ર કરવાની કવાયત રુપે હવે અમેરિકાથી ખાસ કિટ મગાવાઈ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ કિટ દ્વારા અટાલી ગામ નજીકની એક અવાવરું બિલ્ડિંગમાંથી મળેલા બળેલાં હાડકાંનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ જ સ્થળ પર અજય દેસાઈએ સ્વીટીની લાશને સળગાવી હોવાની કબૂલાત કરી હતી. સ્વીટી પટેલ મર્ડર કેસનો મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ હાલ જેલમાં બંધ છે. તેની સાથે તેનો મિત્ર અને કોંગ્રેસનો અગ્રણી કિરીટસિંહ પણ જેલમાં છે. કિરીટસિંહે અજયને સ્વીટીના મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હોવાનો આરોપ છે. જે જગ્યાએ સ્વીટીનો મૃતદેહ સળગાવાયો તે કિરીટસિંહની માલિકીની હતી. કોઈ થ્રિલર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટનામાં વડોદરા એસઓજીમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર અજય દેસાઈએ જૂન મહિનામાં સ્વીટીની રાતના સમયે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બંને લીવ-ઈનમાં રહેતાં હતાં, અને તેમને એક દીકરો પણ છે. સ્વીટીનું મર્ડર કર્યા બાદ બીજા દિવસે અજય તેની લાશને પોતાની ગાડીમાં લઈને અટાલી ગામે જવા નીકળ્યો હતો, જ્યાં તેણે લાશને સળગાવી દીધી હતી. બીજી તરફ, સ્વીટીના પરિવારજનોને તેણે એવું કહ્યું હતું કે તે ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે.

          અજય દેસાઈએ સ્વીટી પટેલનો મૃતદેહ જલદ કેમિકલ નાખીને સળગાવી દીધો હતો. કિરીટસિંહને પણ તેણે એવું કહીને ગેરમાર્ગે દોર્યો હતો કે તેની બહેન બીજા સમાજના યુવક સાથેના પ્રેમસંબંધોથી પ્રેગનેન્ટ થઈ જતાં તેને પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી છે, અને તેની લાશનો નિકાલ કરવા માટે તે આવ્યો છે. સ્વીટી અચાનક ગાયબ થઈ જતાં તેના ભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, એક મહિનાથી પણ વધુ સમય સુધી તપાસ કર્યા બાદ વડોદરા પોલીસ આ કેસની તપાસમાં ખાસ ઉકાળી શકી નહોતી. બીજી તરફ, આ મામલામાં અજય દેસાઈ જ મુખ્ય આરોપી હતો પરંતુ તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આ દરમિયાન વડોદરા પોલીસને જ અટાલી ગામ પાસેથી બળેલા હાડકાં મળ્યા હતા. આ હાડકાં સ્વીટીના જ છે કે કેમ તેની વૈજ્ઞાનિક રીતે ખરાઈ કરવા માટે તેમજ તેનો મજબૂત પુરાવા તરીકે ઉપયોગ કરવા માટે પોલીસે હ્લજીન્માં તેનો ડીએનએ ટેસ્ટ કરવા માટે મોકલ્યા હતા. જોકે, હાડકાં ખૂબ જ બળી ચૂક્યા હોવાથી તેમાંથી ડીએનએ ટેસ્ટ માટેનું સેમ્પલ લેવામાં સફળતા ના મળતા આ હાડકાં સ્વીટીના જ છે કે કેમ તેની હજુ સુધી નક્કર રીતે પુષ્ટિ નથી થઈ શકી.

(7:15 pm IST)