Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કરજણ તાલુકાના સાયર ગામે નર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન કરતી ટીમને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી 1 કરોડનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા: કરજણ તાલુકાના સાયર ગામ પાસેની નર્મદા નદીમાં ગેરકાયદે રેતીખનન ખાણખનીજખાતાની ટીમે ઝડપી પાડી ખોદકામ અને વહનની પ્રવૃત્તિ માટેનો રૃા.૧ કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સાગર ઉર્ફે દિનેશચન્દ્ર શાહે સાયર ગામે બિનઅધિકૃત  સાદી રેતી ખનીજનું ખોદકામ અને રેતીનું વહન કર્યું હોવાનું જણાયું હતું તેમ જણાવી ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું  હતું કે એક હિટાચી મશીન, એક હોડી અને સાદી રેતી ભરેલી એક ટ્રક જપ્ત કરવામાં આવી હતી. એક કરોડ રૃપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કરજણ આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે.

ખનીજોના ગેરકાયદે ખોદકામ અને વહન પર નજર રાખવા માટે ખાનખનીજ વિભાગે ટેકનોલોજીનો ઉપયોગ શરૃ કર્યો છે. જેના ભાગરૃપે સાયર નારેશ્વર વિસ્તારની રેતીની લીઝોમાં ઉપયોગમાં લેવાતા હિટાચી મશીનોમાં જીપીએસ ટ્રેકિંગ લગાવીને મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખનનમાં ઉપયોગમાં લેવાતા તમામ મશીનોમાં આ સિસ્ટમ લગાવવાથી લીઝ વિસ્તારોમાં જીપીએસ વગર  ગેરકાયદે ઉપયોગમાં લેવાતા મશીનોની ઓળખ અને ઉપયોગમાં લેનારા લીઝધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(5:43 pm IST)